22 વર્ષીય પરપ્રાંતિય યુવક ગોધરા તાલુકાના પરવડી ચોકડી પાસે અજાણ્યા વાહનની અડફેટે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો.પંચમહાલ જિલ્લા કલેક્ટર તે જ સમયે ત્યાંથી પસાર થઇ રહ્યા હતા. તેમને આ ઘવાયેલા યુવાનને પોતાની સરકારી ગાડીમાં સારવાર અર્થે ગોધરા સિવિલ હોસ્પિટલમાં મોકલાવી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
ગોધરા તાલુકાના પરવડી ચોકડી બાયપાસ ઉપર અજાણ્યા વાહને પરપ્રાંતિય યુવકને અડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં આ યુવકને માથાના ભાગે ગંભીર ઇજાઓ થતા યુવક બેભાન અવસ્થામાં રસ્તા વચ્ચે પડ્યો પડ્યો કણસતો હતો, ત્યારે દેવદૂતની જેમ તે યુવકના સદ્નસીબે પંચમહાલ જિલ્લા કલેક્ટર અમિત અરોરા ત્યાંથી પસાર થઇ રહ્યા હતા ત્યારે તેમની નજર આ ઘવાયેલા યુવક ઉપર પડતાની સાથે જ પોતાની ગાડી ઉભી રાખીને આ યુવકને પોતાની ગાડીના બેસાડીને તાત્કાલિક સારવાર મળી રહે તે હેતુથી ગોધરા સિવિલ હોસ્પિટલમાં પહોંચાડ્યો હતો. પંચમહાલ જિલ્લા કલેક્ટર અમિત અરોરાએ હોસ્પિટલમાં હાજર ડોક્ટરોને બોલાવીને આ યુવકને સત્વરે સારવાર થાય અને યુવકનો જીવ બચી જાય તેવા પ્રયાસો કર્યાં હતા. કલેક્ટર અમિત અરોરાએ કોઇ પણ એમ્બ્યુલન્સ કે બીજા વાહનની રાહ જોયા વગર જ પોતાની ગાડીમાં લોહીલુહાણ યુવકને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ સુધી પહોંચાડ્યો હતો.
ગોધરા સિવિલ હોસ્પિટલના સર્જન ડો.પી. સાગરે જણાવ્યું હતું કે, પંચમહાલ જિલ્લા કલેક્ટરની ગાડીમાં એક યુવાનને આજે સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે લાવવામાં આવ્યો હતો. જેની હાલત ખુબ જ ગંભીર હતી. હાલ તેની સારવાર ચાલી રહી છે. તેને માથાના ભાગે ઇજા થઇ હોવાથી સિટી સ્કેન કરાવવામાં આવી રહ્યું છે.
કુદરતના કેવા સંજોગ કે ભૂતકાળમાં લગભગ ૫ મહિના પહેલા રસ્તામાં કણસતા યુવાનને પંચમહાલ જિલ્લા કલેક્ટર અમિત અરોરા એ જ હોસ્પિટલ પહોંચાડીને તેનો જીવ બચાવ્યો હતો. 5 મહિના પહેલા પંચમહાલ જિલ્લા કલેક્ટર અમિત અરોરાએ અને જિલ્લા વિકાસ અધિકારી એ.જે. શાહ ગોધરાથી હાલોલ જઈ રહ્યા હતા, ત્યારે બેઢિયા ટોલ પ્લાઝા પાસે એક બાઈક સવાર યુવાન અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલો માલુમ પડ્યો હતો. યુવાનનો અકસ્માત થતાં લોકોનું ટોળું ભેગું થયેલું જોઈ ને જિલ્લા કલેક્ટરે પોતાનું વાહન ઉભું રખાવીને તપાસ તાપસ કરતા યુવાનને માથાના ભાગે ગંભીર ઇજા થયેલી હોવાનું જાણ થતા જ યુવાનને બેભાન અવસ્થામાં જોઇને કલેક્ટરે પોતાના પ્રવાસ પડતો મૂકીને સરકારી વાહનમાં જ ગંભીર ઇજા પામેલા યુવાનને ગોધરા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા. ગોધરા સિવિલ હોસ્પિટલમાં યુવાનને તાત્કાલિક સારવાર મળતા યુવાનનો બચ્યો જીવ બચી ગયો હતો.