રિપોર્ટર: કૃણાલ ત્રિવેદી,ડાકોર
ખેડા જિલ્લાના યાત્રાધામ ડાકોર ખાતે ભગવાન રણછોડરાયના મંદિરમાં નોકરી કરતો યુવક આજથી ૨૦ વર્ષ પુર્વે મંદિરમાંથી ૨૫ તોલાથી વધુ સોનાના દાગીનાની ચોરી કરી ફરાર થઈ ગયો હતો. જેની ડાકોર પોલીસે ૨૦ વર્ષ બાદ ઉત્તર પ્રદેશના જાેનપુર ખાતેથી ઝડપી પાડી તેનું આજે કોરોના ટેસ્ટ કરાવવામાં આવ્યો છે. અને કોરોના રીપોર્ટ આવ્યા બાદ તેની વિધિવત ધરપકડ કરવામાં આવશે.
મળતી વિગતો અનુસાર આજથી ૨૦ વર્ષ પુર્વે ડાકોર ખાતે આવેલા ભગવાન રણછોડરાય મંદિરમાં ભક્તો દ્વારા સોના ચાંદીના દાગીનાઓ ભેટમાં ચઢાવવામાં આવે છે અને આ દાગીનાને મંદિરના એક રુમમાં તિજોરીમાં લોક કરીને મુકવામાં આવે છે. જેના દાગીના અધિકારી તરીકે ઉત્તર પ્રદેશનો રાજેન્દ્રભાઈ રાજપતભાઈ તિવારી ફરજ બજાવતો હતો. જે આજથી વીસ વર્ષ પુર્વે તા. ૯-૧૧-૨૦૦૧ ના રોજ મંદિરના ભગવાનના સોનાના દાગીનામાંથી ૨૫ તોલાના વધુના સોનાના દાગીનાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. જે બનાવ અંગે મંદિરના તત્કાલિન મેનેજર મનુપ્રસાદ ભટ્ટે ડાકોર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જે કેસમાં પોલીસે કુલ બાર આરોપીઓ પૈકી અગીયાર આરોપીઓને ધરપકડ કરી કોર્ટમાં ચાર્જશીટ કરી હતી. જે કેસ ચાલી જતા આજથી ત્રણ માસ પુર્વે ૧૧ આરોપીઓ નિર્દોષ છુટી ગયા હતા. જ્યારે મુખ્ય આરોપી રાજેન્દ્ર તિવારી ફરાર હતો. જે અંગે ડાકોર પોલીસે તેની તપાસ આરંભી હતી. દરમિયાન પોલીસને મળેલી બાતમીના આધારે ડાકોર પોલીસની એક ટીમ ઉત્તર પ્રદેશના જાેનપુર ખાતે ગઈ હતી અને છેલ્લા વીસ વર્ષથી દાગીના ચોરીના ગુનામાં નાસતા ફરતા આરોપી રાજેન્દ્ર તિવારીને ઝડપી પાડી ડાકોર પોલીસ મથકે લાવવામાં આવ્યો હતો. અને તેને કોરોના પરીક્ષણ માટે નડિયાદ લઈ જવામાં આવ્યો હતો અને કોરોના રીપોર્ટ આવ્યા બાદ તેની વિધિવત ધરપકડ કરવામાં આવશે.