કેવડીયા બચાવો આંદોલન સમિતિ દ્વારા 30 અને 31મી ઓક્ટોબર એમ 2 દિવસ કેવડીયા બંધનું એલાન.

Narmada
રિપોર્ટર : અનીશખાન બલુચી,કેવડીયા કોલોની


સ્ટેચ્યુ ઓફ યુનિટીને આગામી 31મી ઓક્ટોબર 2020નાં રોજ ૨ વર્ષ પૂર્ણ થાય છે. એ દિવસને સમગ્ર દેશમાં રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવાય છે. આ વખતે PM મોદીની ઉપસ્થિતમાં કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી થવાની છે. PM મોદીના કાર્યક્રમની તૈયારીઓ અંતિમ તબક્કામાં છે ત્યારે ‘કેવડિયા બચાવો આંદોલન સમિતિ’એ PM મોદીના કાર્યક્રમનો વિરોધ નોંધાવી 30 અને 31મી ઓક્ટોબર એમ 2 દિવસ કેવડીયા બંધનું એલાન આપ્યું છે. ત્યારે નર્મદા, ભરૂચ, છોટા ઉદેપુર અને વડોદરા ગ્રામ્ય વિસ્તારની પોલીસનો કાફલો PM મોદીની સુરક્ષા માટે ખડકી દેવાશે. અત્રે એ ઉલ્લેખનીય છે કે અગાઉ જ્યારે કેવડીયા ટેન્ટ સીટી ખાતે PM મોદી કાર્યક્રમને લઈને 3 દિવસ રોકાયા હતાં ત્યારે પણ આદિવાસીઓએ કેવડીયા બંધનું એલાન આપ્યું હતું જે સફળ નીવડ્યું હતું. સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસન સત્તા મંડળમાં આવતા 14 ગામના આદિવાસી આગેવાનોએ ‘કેવડીયા બચાવો આંદોલન સમિતિ’ના નેજા હેઠળ આદિવાસી આગેવાન ડૉ. પ્રફુલ્લ વસાવા, શૈલેષ તડવી સહિત અન્ય આગેવાનોએ દેશનાં રાષ્ટ્રપતિ, વડાપ્રધાન, ગુજરાતનાં રાજ્યપાલ, મુખ્યમંત્રી તથા નર્મદા જિલ્લા કલેકટર સમક્ષ પોતાની માંગો મૂકી છે. જો 7 દિવસમાં એનું નિરાકરણ નહીં આવે તો 2 દિવસ કેવડિયા બંધનું એલાન આપ્યું છે. આ સાથે જ આંદોલનની ચીમકી પણ ઉચ્ચારતા PM મોદીના કાર્યક્રમને ગ્રહણ લાગી ગયું છે.

શું છે આદિવાસીઓની માંગ ?

(૧) સ્ટેચ્યુ ઓફ યુનીટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન સત્તામંડળ ને તત્કાળ હટાવી ૧૪ આદિવાસી ગામ પંચાયતો ના અધિકારો પરત કરો. ભારતીય સંવિધાન ની પાંચમી અનુસુચિ અને પેસા કાનુન મુજબ અહીં ગ્રામસભાના સ્વતંત્ર નિર્ણય લેવાના અમારાં મૌલિક અધિકારનો ઉપયોગ જરૂર થશે જ. અમારાં આ વિસ્તારમા ભારતીય બંધારણ અને આદિવાસી રૂઢિપરંપરાઓ મુજબ જે ઠરાવ થશે તે પ્રમાણેનો જ અમે કાર્ય કરવા બંધાયેલા છીએ.

૨) કોરોના લોકડાઉનની આડમાં તાર ફેન્સીંગ કરી જે ખેડૂતોની જમીનો પર સરકારે બિન કાયદેસર કબજો કર્યોં છે તે તમામ જમીનો પર ના દબાણ હટાવી આદિવાસીઓના જીવન ના સહારારૂપ જમીનો પરત આપવામાં આવે.

૩) વિયરડેમમા બિનજરૂરી રીતે પાણી ભરવાથી જે ખેડુતો અને આદિવાસીઓને નુકસાન થયેલ છે તેમને ઉભા પાક નુકસાન જેટલું અનાજ આપવામાં આવે અને જે જમીનો નું ધોવાણ થયું છે તેમાં તત્કાળ માટી પુરી આપવામાં આવે. જે ઘરોને નુકશાન થયું છે તે તમામ ઘરો તત્કાળ જે તે સ્થિતિના બનાવી આપવામાં આવે.

૪) અમારાં માટે અમારાં ગામડાઓ જ આદર્શ ગામ છે હાલમાં અમારાં ઘરો જે સ્થિતિ મા છે અમે તેનાથી ખુશ છીએ કેમકે અમો પ્રકૃતિ ના ખોળે રહેવાવાળા લોકો છીએ, ગાય, ભેંસ, બકરી, બળદ, પક્ષીઓ, કુતરા- બિલાડા અમારાં જીવન નો હિસ્સો છે જેથી અમો ને હાલ ગોરા ગામ ખાતે જે નકલી આદર્શ ગામ બનાવી આપવા જે પ્લાન ચાલે છે જે અમોને મંજુર નથી.

૫) ૩૧ ઓકટોબરે જે વડાપ્રધાન શ્રીનો કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું છે જે કાર્યક્રમ રદ્દ કરવામાં આવે. કોરોના મહામારી વચ્ચે આ વિસ્તારમાં સીઆરપીએફના ૧૩૦ જવાનો માંથી ૪૫ પોઝિટિવ કેસ આવ્યાં હતાં, બહાર નોકરીએ જતાં અહીંના એસ આર પી ના જવાનો કોરોના પોઝિટિવ થઈ ને પાછા અમારાં વિસ્તારમાં આવે છે. હમણાં ૩૧ ઓકટોબર ના કાર્યક્રમ ને લીધે જે અન્ય જિલ્લાઓ કે રાજ્યોમાંથી પોલીસ ફોર્સ અને અન્ય ફોર્સ આવી રહી છે જેથી અમારાં વિસ્તારમાં કોરોના વધુ ફેલાઈ જવાનો ડર છે. કેવડીયા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ૩૧ ઓકટોબર નો કાર્યક્રમ રદ્દ નહિ કરવામાં આવે તો આ વિસ્તારોમાં કોરોના સંક્રમણ વધી જશે જે આદિવાસીઓ માટે ખતરારૂપ છે.

૬) ૧૪ ગામો ની જમીનો પડાવવા હાલ જે નિતી નો ઉપયોગ થઈ રહયો છે જેનાથી અમો સહમત નથી. ગુજરાત સરકાર – નર્મદા જિલ્લા પોલીસ અને સરકારી પ્રશાસન ભારતીય બંધારણની ઉપરવટ જઈ અમોને ડરાવી ધમકાવી, બળ પુર્વક અમારી જમીનો પડાવી , અમારાં અને અમારાં અધિકારોની વાત કરનારા સમાજ સેવકો પર ખોટા કેસો કરી અમોને હેરાન પરેશાન કરવાની આવી તમામ બિન કાયદેસર ની પ્રવુતિઓ બંધ કરવામાં આવે. જાે અમારી માંગણીઓ નહિ સંતોષવા મા આવે તો અમોને ગાંઘીચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *