લુણાવાડા નગરપાલિકામાં ખાડો ખોદી 46 લાખ ચૂકવી દેવાના મામલામાં તત્કાલીન પ્રમુખ જયેન્દ્રસિંહ સોલંકીની પ્રાદેશિક કમિશ્નર સમક્ષ ગતરોજ સુનાવણી થઇ.

Mahisagar
રિપોર્ટર: દિવ્યાંગ પટેલ,મહીસાગર

હોદ્દાના દુરુપયોગ કર્યા બાબતે ગુજરાત નગરપાલિકા અધિનિયમ 1963ની કલમ 70 હેઠળ કાર્યવાહી અંગે સુનાવણી
 
લુણાવાડા નગરપાલિકામાં જયેન્દ્રસિંહ વાય. સોલંકી પ્રમુખ તરીકે ફરજ બજાવતા હતા. ત્યારે ફરજ દરમિયાન હોદ્દાનો દુરઉપયોગ કરી સ્થળ ફેરની મંજૂરી વગર લુણાવાડાના ઇન્દિરાના મેદાનમાં ટાઉનહૉલ બાંધકામમાં વધારાના ચૂકવેલ નાણાંની તપાસમાં કારણદર્શક નોટિસની કાર્યવાહી બાબતે ગુજરાત નગરપાલિકા અધિનિયમ ૧૯૬૩ની કલમ ૭૦ હેઠળ કાર્યવાહી અંગે ગાંધીનગર મ્યુનિસિપાલિટી ઍડમીનીસ્ટ્રેશન નાયબ કમિશ્નર વહીવટના તપાસ સંદર્ભે  કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી છે. પ્રાદેશિક કમિશ્નર નગર પાલિકાઓની કચેરી વડોદરા આપવામાં આવેલ આ કારણદર્શક નોટિસમાં તત્કાલિન પ્રમુખ પર આક્ષેપ મુજબ લુણાવાડા ચીફ ઓફિસરના અહેવાલ અનુસાર રેકર્ડ આધારિત ચકાસણી કરતાં લુણાવાડા નગર માટે જે જગ્યાએ ટાઉનહોલ બનાવવાનો છે તે કામ મંજુર થયેલ એજન્સી દેવર્સ કન્સ્ટ્રકશન કંપની,  ગાંધીનગર દ્વારા વર્કઓર્ડર મેળવી કામગીરી શરૂ કરેલ અને થયેલ કામ અંગે પ્રથમ આર.એ. બિલની માંગણી કરેલ. જે અન્વયે દિશા સિવિલ એન્જિનિયરિંગ ડિઝાઇન દ્વારા થયેલ કામ અંગે માપપોથીમાં  માપો નોંધી સર્ટીફીકેટ ઓફ પેમેન્ટ રૂ.૪૬,૫૫,૬૨૭/-નું બીલ તેમજ રિપોર્ટ રજૂ કરતાં પ્રથમ આર. એ.બીલ તૈયાર કરી કરવાપાત્ર થતી કપાતની રકમ રૂ.૧૦,૪૭,૫૧૮/- ની કપાત કરી તેઓને ચૂકવવાપાત્ર રકમ રૂ. ૩૬,૦૮,૧૦૯નું ચોખ્ખું ચૂકવણું નગરપાલિકા દ્વારા કરવામાં આવેલ છે. પરંતુ હાલ જે સ્થળે સ.ન.૧૭૧ની  ઇન્દિરા મેદાનની નગરપાલિકાની માલિકીની જગ્યા પર ટાઉનહોલ કરવાનું ઠરાવ્યા બાદ નગરપાલિકાએ નવેસરથી રીવાઈઝડ પ્લાન એસ્ટીમેન્ટ બનાવ્યા તથા રીવાઈઝડ તાંત્રિક મંજૂરી તથા સ્થળફેરની વહીવટી મંજૂરી મેળવવી જોઈતી હતી તે મેળવેલ નથી અને રનીગબીલનું રૂ.૪૬,૫૫,૬૨૭/- ચૂકવણું કરેલ છે. યુડીપી -૭૮ ની જોગવાઈ મુજબ ૫૦ લાખના કામો માટે થર્ડ પાર્ટી ઇન્સ્પેકશનની જોગવાઈ તથા એજન્સીની નિમણૂક કરવી જોઈએ તે થયેલ હોવાનું કોઈ રેકોર્ડ રજૂ કરવામાં આવેલ નથી. ઉપરોક્ત બીલના ટેન્ડરમાં મંજુર થયેલ ક્વોન્ટીટી કરતાં વધારે ક્વોન્ટીટીનું ચૂકવણું કરવામાં આવેલ છે.

તે અંગે આ વધારાના કામો અંગે કોઈ નક્કર પુરાવો રજૂ થયેલ નથી. તેમજ ટેન્ડર મંજૂરી થયા બાદ લગભગ ૧ વર્ષ -૯ માસ જેટલા લાંબા સમયબાદ વર્કઓર્ડર આપેલ છે. જે ટેન્ડર વેલીડિટી પિરિયડની જોગવાઈ વિરુદ્ધ હોવાનું જણાય છે. અને  તમામ હકીકતે નગરપાલિકાને આર્થિક નુકશાન થયેલાનું સ્પષ્ટ જણાય છે. નિયમોનુસાર કાર્યવાહી ન કરીને એજન્સીને ચૂકવણું કરવા હુકમ કરતાં તત્કાલિન પાલિકા પ્રમુખની ગફલતના કારણે નગરપાલિકાને આર્થિક નુકશાન થયેલ છે. તે અંગે તેમની વિરુદ્ધ  ગુજરાત નગરપાલિકા અધિનિયમ -૧૯૬૩ની કલમ -૭૦ હેઠળ પગલા લેવા પાત્ર થાય છે તેમ આ નોટિસમાં જણાવી  આ અંગે પ્રાદેશિક કમિશ્નર નગર પાલિકાઓની કચેરી વડોદરામાં  આજે ૨૦ ઓક્ટોબરના રોજ સુનાવણી રાખવામાં આવેલ છે.  આ સુનાવણી સમયે  જો કોઈ રજૂઆત હોય તો અન્યથા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે એમ કારણદર્શક નોટિસમાં જણાવાયું છે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *