બ્યુરોચીફ: રાકેશ મકવાણા,ખેડા
વાસદ-બોરસદ માર્ગ પર રેલ્વે ફાટક પાસેથી વાસદ પોલીસે મળેલી બાતમીના આધારે વડોદરાના કુખ્યાત બુટલેગર લાલુ સીંધીનો ૧૬,૪૧,૪૦૦ રૂપિયાનો વિદેશી દારૂ ભરેલો ટ્રક ઝડપી પાડી વિદેશી દારૂ અને ટ્રક સાથે ૨૬,૫૦,૯૦૦ નો મુદ્દામાલ કબ્જે કરી દારૂબંધી ધારા હેઠળ વાસદ પોલીસ મથકે ટ્રક ચાલક સહિત પાંચ જણા વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
મળતી વિગતો અનુસાર વાસદ પોલીસ મથકના હેકો મહિપાલસિંહ અને સર્કલ પીએસઆઈ એમ. આઈ. ઝાલા સહિતના સ્ટાફે મળેલી બાતમીના આધારે બોરસદ વાસદ રોડ ઉપર વાસદ નજીક રેલ્વે ફાટક પાસે વોચ ગોઠવી હતી. દરમિયાન બાતમી મુજબની ટ્રક આવતા પોલીસે ટ્રકને રોકી ટ્રકની તલાસી લેતા ટ્રકમાં એલોવીરા જ્યુશ લખેલા બોક્સ ભરેલા હતા. જેની પોલીસે તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. જેથી પોલીસે ટ્રકમાંથી વિદેશી દારૂની પેટીઓ નંગ ૩૨૪ અને ક્વાર્ટરીયા નંગ ૫૮.૦૮ મળી કુલ ૧૬,૪૧,૪૦૦ નો વિદેશી દારૂનો જથ્થો કબ્જે કર્યો હતો. પોલીસે ટ્રકના ચાલક રાકેશકુમાર લક્ષ્મીચંદ શર્મા અને કન્ડક્ટર મનજીતકુમાર કમલકુમાર બાલાકરીમની ધરપકડ કરી આ વિદેશી દારૂ અંગે તેઓની પુછપરછ કરતા આ એલોવીરા બોક્સો પર મોકલનાર તરીકે રોહિત એન્ટરપ્રાઈઝ નવી દીલ્હી તથા મયંકકુમાર મહેતા રહે. તળાજા અને ટ્રકના માલિક તરીકે લક્ષ્મીચંદ રહે. નલોગખુર્દ હીમાચલ પ્રદેશ લખેલું હતું. પોલીસે તેઓની વધુ પુછપરછ કરતા આ વિદેશી દારૂનો જથ્થો ચંડીગઢના રાજીવ નામના શખ્સે ગુડગાવના રવી પહેલવાન દ્વારા હરીયાણાથી ટ્રકમાં ભરાવી આપ્યો હતો. અને વડોદરાના લાલુ સીંધીનો સંપર્ક કરી સૌરાષ્ટ્રના જુનાગઢ લઈ જવાનો હતો. જેથી પોલીસે વિદેશી દારુનો જથ્થો, ત્રણ મોબાઈલ ફોન, એક હજાર રુપિયા રોકડા મળી કુલ ૨૬,૫૦,૯૦૦ નો મુદ્દામાલ કબ્જે કરી આ બનાવ અંગે વાસદ પોલીસ મથકે હેકો મહીપાલસિંહની ફરિયાદના આધારે ટ્રક ચાલક રાકેશકુમાર લક્ષ્મીચંદ શર્મા, કન્ડક્ટર મનજીતકુમાર કમલકુમાર બાલાકરીમ તેમજ ચંદીગઢના રાજીવ, ગુડગાવના રવી પહેલવાન અને વડોદરા વારસીયાના લાલુ સીંધી સહિત પાંચ જણા વિરુદ્ધ દારુબંધી ધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
