બ્યુરોચીફ: રાકેશ મકવાણા,ખેડા
ખેડા જિલ્લામાં વિતેલી બે રાત્રી દરમ્યાન પડેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે. શુક્રવાર અને શનિવારની રાત્રે પડેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોનો ઉભો પાક બગડી જવાની આરે આવી ગયો છે. કેટલાક ખેતરોમાં તો ઉભો પાક સૂઈ જતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. હવે સરકાર નુકસાનીનો સર્વે કરાવીને મદદરૂપ બને તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે. ખેડા જિલ્લામાં ડાંગર મુખ્ય પાક છે. આ વર્ષ ૧.૧૪ લાખ હેક્ટર જમીનમાં ડાંગરની ખેતી થઈ હતી. જેમાંથી ૭પ લાખ મણ જેટલી ડાંગરની ઉપજ થશે તેવી આશા સેવાઈ હતી. પરંતુ શુક્રવાર અને શનિવાર રાત્રે પડેલા વરસાદે ખેડૂતોને મહેનત પર પાણી ફેરવી દીધા. ખેતરમાં લહેરાઈ રહેલા પાક અંતિમ તબક્કામાં પહોચ્યો હતો. કેટલાક ખેડુતોએ તો ડાંગર કાપીને માત્ર ઝાટકવાની બાકી રાખી હતી. ત્યારે અચાનક આવી ચઢેલા મેઘરાજાએ તમામ મહેનત પર પાણી ફેરવી દેતા ખેડૂતોનો મહામુલો પાક બરબાદ થઇ ગયો છે. ડાંગર, બાજરી, મકાઈ આ તમામ પાકની કમોસમી વરસાદને કારણે હાલત ખરાબ થઇ છે જોકે ઠાસરા, ગળતેશ્વર, કપડવંજ, કઠલાલ અને મહુધા પંથકમાં ખાસ વરસાદ પડ્યો નથી. જેના કારણે આ પટ્ટાના ખેડુતોનો પાક બચી ગયો છે. જયારે નડિયાદ, ખેડા, માતર, વસો અને મહેમદાવાદ પંથકમાં પડેલા વરસાદને કારણે મોટાભાગના ખેડૂતોની ડાંગર નિષ્ફળ ગઇ છે.
