રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ
માર્ગ મકાન વિભાગ હસ્તકની જમીન પર થયેલા દબાણો દુર કરવામાં તંત્રની મીઠી નજર
કેશોદ તાલુકાના અગતરાય ગ્રામ પંચાયતના ઉપસરપંચ બુધાભાઈ ગરેજા દ્વારા લેખિતમાં ફરિયાદ કરી જવાબદાર તંત્ર સમક્ષ જણાવ્યું છે, કે અગતરાય ગ્રામ પંચાયતના સભ્ય ગૌરીબેન દાફડાનાં પતિ અશ્વિનભાઈ દાફડા દ્વારા બાગ વિસ્તારમાં આવેલી માર્ગ મકાન વિભાગ હસ્તકની જમીન પર દબાણ કર્યું છે. જે દુર કરવા પગલાં ભરવામાં આવે એવી માંગ કરી છે. કેશોદ તાલુકાના અગતરાય ગ્રામ પંચાયતના સભ્યનાં પતિએ સરકારી જગ્યામાં પેશકદમી કરી અંગત ઉપયોગ માટે સત્તાનો દુરુપયોગ કર્યો છે. ત્યારે તાલુકા વિકાસ અધિકારી દ્વારા ગેરકાયેસર ઠરાવવા માટે કાયદેસરની દરખાસ્ત મોકલવાની કામગીરી હાથ ધરવામાં આવી નથી અને નાયબ કાર્યપાલક ઇજનેર માર્ગ અને મકાન વિભાગ કેશોદ દ્વારા પણ દબાણો દૂર કરવા માટે ધારાધોરણ મુજબ કાર્યવાહી કરવામાં આવી નથી. કેશોદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ભૂમાફિયાઓ દ્વારા કરવામાં આવેલાં દબાણો દુર કરવા અરજદારો દ્વારા જવાબદાર તંત્રને ફરિયાદ કરવામાં આવે છે, ત્યારે પગલાં ભરવાને બદલે એકબીજાને ખો આપી ભૂમાફિયાઓને બચાવવા માટે આંખ આડા કાન કરવામાં આવે છે. રાજ્ય સરકાર દ્વારા ભૂમાફિયાઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા નવાં નવાં કાયદાઓ ઘડવામાં આવે છે પરંતુ અમલવારી કરવા માટે જે કચેરીને સતા આપવામાં આવી છે તે કચેરી કે અધિકારીઓ છાવરતા હોવાની ચર્ચા ચાલી રહી છે. અગતરાય ગ્રામ પંચાયત દ્વારા લગાવવામાં આવેલી સ્ટ્રીટ લાઈટમાં ડાયરેક્ટ વિજ જોડાણ લેવામાં આવેલાં હોય ત્યારે લાગતાં વળગતાને લાભ અપાવવા ધોળે દિવસે પણ સ્ટ્રીટ લાઈટ પંચાયત દ્વારા ચાલુ રાખવામાં આવતી હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. કેશોદ તાલુકાના અગતરાય ગ્રામ પંચાયતના સભ્ય ગૌરીબેન દાફડાનાં પતિ અશ્વિનભાઈ દાફડા દ્વારા કરવામાં આવેલાં દબાણો દુર કરવા તંત્ર દ્વારા ગંભીરતા પૂર્વક પગલાં ભરવામાં આવશે કે સામાન્ય ચૂંટણીની આચારસંહિતા લાગુ કરવામાં આવે એની રાહ જોવામાં આવશે. કેશોદ તાલુકાના જવાબદાર તંત્રને ઉપસરપંચ બુધાભાઈ ગરેજા કે જે જવાબદાર પદાધિકારી છે જેઓએ લેખિતમાં ફરિયાદ કરી છે છતાં પણ અધિકારીઓ દ્વારા પગલાં ભરવામાં આવ્યાં નથી ત્યારે સામાન્ય નાગરિકોની સ્થિતિ તાલુકામાં કેવી કફોડી હાલત હશે. કેશોદના અગતરાય ગ્રામ પંચાયતના ઉપસરપંચ દ્વારા દબાણ કર્તાઓને જાણ કરતા સરખો ઉત્તર ન મળ્યો. જ્યારે ગ્રામ પંચાયતના ચૂંટાયેલા મહિલા સભ્યનાં પતિ જ કાયદાની જોગવાઇને મજાક ગણતાં હોય ત્યારે ચૂંટાયેલા પ્રજાનાં પ્રતિનિધિ તરીકે અન્ય વ્યક્તિઓ પાસેથી નિયમોનું પાલન કેમ કરાવી શકે. જુનાગઢ જીલ્લાના કલેકટર અને જીલ્લા વિકાસ અધિકારી તેમજ કાર્યપાલક ઈજનેર માર્ગ મકાન વિભાગ જુનાગઢ ઉપરાંત તાલુકા વિકાસ અધિકારીને લેખિત જાણ કરી છે. કેશોદ માર્ગ અને મકાન વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર દ્વારા સરકારી જગ્યામાં પેશકદમી કર્યાની ફરિયાદો અને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની જુદી-જુદી યોજનાઓ હેઠળના કામોમાં ગેરરીતિઓ અંગે સંખ્યાબંધ ફરિયાદો કરવા આવેલી હોવાં છતાં નક્કર કાર્યવાહી કરવામાં આવતી નથી ત્યારે રાજકીય પીઠબળ મળ્યું હોવાનું ચર્ચાઈ રહ્યું છે.