તંત્રની લાપરવાહીના ભોગે જીંજરી સિંચાઈ તળાવમાં પાણી હોવા છતાં ખેડૂતોને પાણી માટે વલખા.

Panchmahal
રિપોર્ટર : પ્રિતેશ દરજી, શહેરા

પંચમહાલ જિલ્લામાં નાની સિંચાઈ યોજના અંતર્ગત આવેલા અંદાજીત ૨૦ થી વધુ મોટા તળાવો આવેલા છે જેમાંથી ખેડૂતોને ખેતી માટે કેનાલ બનાવી સિંચાઈ માટે પાણી આપવામાં આવે છે. આ સમગ્ર યોજનાનું સંચાલન જિલ્લા પંચાયત હસ્તક નાની સિંચાઈ વિભાગ દ્વારા કરવામાં આવે છે.આ યોજના હેઠળ સિંચાઈના પાણી માટે બનાવેલી કેનાલોની મરામત અને જાળવણીની કામગીરી પણ આ વિભાગ દ્વારા જ કરવામાં આવે છે.નાની સિંચાઈના તાબાનું જ ઘોઘંબા તાલુકાના જીંજરી ગામે એક મોટું તળાવ આવેલું છે.આ તળાવ માંથી જીંજરી, પાધોરા અને ધનેશ્વર સહિતના ગામો સુધી કેનાલનું નિર્માણ કરી ખેતી માટે સિંચાઈ પાણી આપવાનું આયોજન કરાયું છે. પરંતુ આ કેનાલ મારફતે કેટલાક ગામોના ખેડૂતો માટે માત્ર શોભના ગાંઠિયા સમી બની રહી છે.કેટલાય ગામોના ખેડૂતો સુધી હાલની સ્થિતિ સિંચાઈ પાણીની સુવિધા દિવા સ્વપ્ન સમી બની રહી છે.કેનાલના ગેટમાંથી લીકેજ હોવાના કારણે હાલ તળાવ નજીક જ લીકેજ પાણીનો વેડફાટ થઈ કોતરમાં વેડફાઈ રહ્યું છે જેને કારણે નજીક આવેલા ખેતરોમાં પાણી ઘુસી રહ્યું છે.જે અંગે સ્થાનિકો એ વારંવાર રજુઆત કરવા છતાં સંલગ્ન તંત્ર દ્વારા કોઈ જ કામગીરી કરવામાં આવતી નથી જેને લઈ આગામી શિયાળાની ઋતુમાં સિંચાઈ પાણી ઓછું મળવાની ચિંતા ખેડૂતોમાં જોવા મળી રહી છે.જીંજરી સિંચાઈ તળાવના ગેટ માંથી લીકેજ થઈ વેડફાટ થઇ પાણી કોતરમાં જઈ રહ્યું છે.જે નજીકમાં આવેલા ખેતરોમાં પણ જાય છે જેથી ખેતરમાં વાવેતર કરેલી ડાંગર હાલ કાપવાની હોવા છતાં પાણીને કારણે ખેડૂતો કાપણી કરી શકતા નથી.જેથી તૈયાર થયેલા પાકને નુકશાન પહોંચી રહ્યું છે અને આગામી શિયાળાની ખેતીમાં પણ વિલંબ થવાની ખેડૂતોમાં ચિંતા જોવા મળે છે.

ઘોઘંબા તાલુકાના જીંજરી ગામે આવેલા સિંચાઈ તળાવની કેનાલનો ગેટ લીકેજ હોવાથી દરરોજ હજારો લીટર પાણીનો નિરર્થક વેડફાટ થઈ રહ્યો છે.જીલ્લા પંચાયતના નાની સિંચાઈ વિભાગ હસ્તકનું આ તળાવ છે.પાણીના વેડફાટ અંગે વારંવાર રજુઆત કરવા છતાં કોઈ પણ પ્રકારની મરામત કામગીરી નહિં કરવામાં આવતી હોવાનો સ્થાનિક અગ્રણીઓ આક્ષેપ કરી રહ્યા છે. હાલ પાણી નિરર્થક વહી જતાં આગામી શિયાળુ પાક માટે સિંચાઈ પાણી નહિં મળવાની ખેડૂતોમાં દહેશત વ્યાપી છે.બીજી તરફ લીકેજ પાણી નજીકના ખેતરોમાં જતાં તૈયાર થયેલા ડાંગરના પાકને નુકશાન થઈ રહ્યું હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે.

જીંજરી સિંચાઈ તળાવ મારફતે અંદાજીત ૫૦૦ થી વધુ હેકટર જમીનમાં સિંચાઈ પાણીની સુવિધા પૂરી પાડવામાં આવે છે. આ સિંચાઈ પાણીનો લાભ અંદાજીત ૫૦૦ થી વધુ ખેડૂતોને મળે છે. પરંતુ પાણી વહન માટે બનાવેલી કેનાલ એકદમ જર્જરિત બની ગઈ છે. વર્ષોથી જેની મરામત કરવામાં આવી નથી .જેને કારણે કેટલાક ગામો સુધી પાણી પહોંચી શકતું નથી.વળી માંડ માંડ ચોમાસામાં સારો વરસાદ થતાં તળાવમાં પાણીનો સંગ્રહ થયો છે ત્યારે તંત્રની બે જવાબદાર નીતિને કારણે પાણીનો નિરર્થક વેડફાટ થઈ રહ્યો છે. જીંજરી સિંચાઈ તળાવના ગેટ માંથી લીકેજ થઈ વેડફાટ થતાં પાણી અંગે અને કેનાલ મરામત અંગે સંલગ્ન તંત્રને રજુઆત કરવામાં આવી છે.પરંતુ અધિકારીઓ કઈ સાંભળતા નથી.વળી ખેડૂતો પાસે સિમેન્ટ સહિતની વ્યવસ્થા કરવાનું જણાવી રહ્યા હોવાનો આક્ષેપ જીલ્લા પંચાયતના માજી સભ્ય કર્યો હતો.

પંચમહાલ જિલ્લામાં નાની સિંચાઈ વિભાગ હસ્તકના તળાવો પર સિંચાઈનું પાણી પહોંચાડવા માટે બનાવવામાં આવેલ ગેટ અને કેનાલની હાલત બિસ્માર છે અને તેનું વહેલી તકે સમારકામ અને નવીનીકરણ કરી સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *