રિપોર્ટર: મહેન્દ્ર સોલંકી, સાવલી
મંજુસર જીઆઈડીસી ખાતે આવેલી કંપનીમાં કર્મચારીઓની હડતાલમાં ના જોડાતા કંપનીમાં ફરજ બજાવતા સુપરવાઈઝર અને કવોલિટી ઈન્સ્પેકટરને કર્મચારીઓએ ઢોર માર મારતાં બંન્ને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સાથે જ પોલીસે હુમલાખોર ટોળા વિરુદ્ધ મારામારી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તેઓની ઘરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા.
પોલીસ સૂત્રોના જણાવ્યાનુસાર મૂળ બિહારના રહેવાસી અને હાલ વડોદરા શહેરના ઘરતી ટેનામેન્ટ માં રહેતા અનિલ કુમાર યાદવ મંજુસર જીઆઈડીસી ખાતે આવેલી એનબીસી બેરિંગ કંપનીમાં સુપરવાઈઝર તરીકે નોકરી કરે છે. તેઓનો મિત્ર અનિલ પ્રજાપતિ આ જ કંપનીમાં કવોલિટી ઈન્સ્પેકટર તરીકે ફરજ બજાવે છે. બે દિવસ અગાઉ તેઓ રાબેતા મુજબ બસમાં નોકરી પર ગયા હતા અને રાત્રીના સમયે પરત ફર્યા હતા આ સમયે બંને વ્યક્તિઓ પગપાળા પરત ઘરે જઈ રહ્યા હતા એક માચીસ ની માંગણી કરી હતી અચાનક તેની સાથે બીજા આઠ જેટલા વ્યક્તિઓ લાકડી અને દંડા સાથે દોડી આવ્યા હતા અને કંપનીના બંને કર્મચારીઓને ઢોર માર માર્યો હતો. જેથી કર્મચારીઓએ બૂમાબૂમ કરતા હુમલાખોરો નાસી છટયા હતા. ઈજાગ્રસ્ત બંને કર્મચારીઓ સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હુમલાખોરો માં રાકેશ કુમાર, જગદીશ પ્રસાદ, રાહુલ જાટ, સચિન સુરેલીયા,ચાવીટ મિલ, સુભાષ કુમાર મોહનલાલ (તમામ રહે-સમા વડોદરા) અને બીજા અજાણ્યા પાંચ જેટલા શખ્સનો સમાવેશ થાય છે. અત્રે ઉલેખનીય છે કે એક મહિના અગાઉ કંપનીમાં નોકરી કરતા સચિન સુરેલીયા અને ચાવીટ મિલએ સુપરવાઈઝર અને કવોલિટી ઈન્સ્પેકટર ને ઘમકાવતા જણાવ્યું હતું કે અમે હડતાલના કારણે નોકરીએ જતા નથી તો તમે નોકરી પર કેમ જાઓ છો. તમે પણ અમારી સાથે હડતાલમાં જોડાવો નહીં તો જાનથી મારી નાખીશું.