રિપોર્ટર: રોહિત પટેલ હળવદ
હળવદ સહીત મોરબી જિલ્લાના જુદા-જુદા તાલુકાઓમાં પાંચ પશુ દવાખાના બનાવવાની માંગ સાથે મોરબી જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ દ્વારા રાજ્યના પશુપાલન નિયામકને રજૂઆત કરવામાં આવી છે.
આમ જોવા જઈએ તો હળવદ સહિત મોરબી જિલ્લામાં મોટી સંખ્યામાં લોકો પશુપાલનના વ્યવસાય સાથે જોડાયેલા છે. મોટાભાગના તાલુકાઓમાં પશુ દવાખાનાના અભાવે કે પછી ડોક્ટરના અભાવે નાછૂટકે પશુપાલકોને પોતાના પશુ બીમારીમાં સપડાઈ ત્યારે પ્રાઇવેટ ડોક્ટરને બોલાવવા પડતા હોય છે. જેની સામે મોટી ફિ પણ ચૂકવવી પડતી હોય છે ત્યારે મોરબી જિલ્લાના જુદા-જુદા પાંચ ગામોમાં પશુ દવાખાના બને તે માટે મોરબી જિલ્લા પંચાયત દ્વારા માંગ કરવામાં આવી છે.
મોરબી જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ હેમાંગભાઈ રાવલએ રાજ્યના પશુપાલન નિયામકને લેખિતમાં રજૂઆત કરી જણાવ્યું છે કે મોરબી જિલ્લામાં વર્ષ 2020-21માં બે નવા પશુ દવાખાના પ્રસ્થાપિત કરવા બાબતે સૂચિત ગામોના નામ કારોબારી સમિતિના ઠરાવ સાથે જણાવવાના હોય છે. પરંતુ હાલ કોરોનાના વાઇરસને કારણે સરકારની ગાઈડલાઈન મુજબ ટૂંક સમયમાં કારોબારી સમિતિની બેઠક મળી શકે તેમ ન હોય. જેથી, આગામી કારોબારી સમિતિમાં સદરહુ ગામો અંગેનો ઠરાવ સર્વાનુમતે પસાર કરવામાં આવશે. જેથી, વાંકાનેરના ભલગામ, માળિયા-મિયાણાના સરવડ, ટંકારાના લજાઈ, હળવદના ભલગામડા અને વાંકાનેરના ઢુંવા ગામે પશુ દવાખાના બનાવવા અંગે રજૂઆત કરવામાં આવી છે.