રિપોર્ટર : અનીશ ખાન બલુચી, કેવડીયા કોલોની
6 ગામના મોટે ભાગના આદિવાસીઓએ આદર્શ ગામની યોજના પ્રત્યે પોતાનું સમર્થન આપ્યું ન હોવાની ચર્ચા ચાલી રહી છે. તંત્રએ સેમ્પલ પૂરતું એક મકાન બનાવ્યું છે, આદર્શ ગામની યોજના પૂર્ણ થશે તો એક મોટો પ્રશ્ન હલ થશે સરદાર સરોવર નર્મદા ડેમના નિર્માણ બાદ પણ એ વિસ્તારના 6 ગામના લોકો યોગ્ય વળતર અને સંપાદિત જમીનના બદલામાં જમીન અને ઘરના બદલામાં ઘરની અવાર નવાર માંગણીઓ કરી રહ્યા હતા. એ વિસ્તારના તમામ પાર્ટીના નેતાઓની સમજાવવાની લાખ કોશિશ છતાં તેઓ એકના બે થયા ન હતા અને જ્યારે જ્યારે PM મોદી અથવા CM રૂપાણીનો કાર્યક્રમ હોય ત્યારે મોટી સંખ્યામાં આદિવાસીઓ કાર્યક્રમના સ્થળે આંદોલન કરવા આવી પહોંચતા હતા, દરમિયાન પોલીસ સાથે ઘર્ષણના બનાવો પણ બનતા હતા. સરકારે એ 6 ગામના આદિવાસીઓ માટે એક વિશેસ પેકેજની પણ જાહેરાત કરી છે, એ પેકેજ પૈકીની એક માંગ આદર્શ ગામની કામગીરીનો ગોરા ગામ નજીક આરંભ કરવામાં આવ્યો છે. હાલમાં તો તંત્રએ સેમ્પલ પૂરતું એક મકાન બનાવ્યું છે. જો આદર્શ ગામની યોજના પૂર્ણ થશે તો એક મોટો પ્રશ્ન હલ થશે એમ લાગી રહ્યું છે.
ભૂતકાળ વાગોળીએ તો ગત વર્ષે હાઈકોર્ટમાં એ 6 ગામના લોકોએ PIL દાખલ કરી હતી. જેમાં મકાન બાંધકામ માટે લોકોએ 10 લાખ રૂપિયા માંગ્યા હતાં પણ નિગમના વકીલે કહ્યું હતું કે આ લોકોને મકાન બાંધકામ માટે 4 લાખ રૂપિયા આપવામાં આવશે, હાઇકોર્ટે 6 ગામના કેસમાં બહાર સમજુતી લાવવા માટે કહ્યું હતું અને ચુકાદો સ્થગિત રાખ્યો હતો. નિગમ પાસે જમીનનું વળતર આપ્યુ ના હોવાના પુરાવા હતા નહિ. જેથી બે ત્રણ મહિના પછી હાઈકોર્ટે PIL ફગાવી દઈ કહ્યું હતું કે PIL કરવામાં આદિવાસીઓએ નહિ પણ સર્વોદય મંડળ હતું જેમાં બ્રાહ્મણ પરિવારે જાહેર હિતની અરજી દાખલ કરી હતી. જેથી કોર્ટે કહ્યું કે ખેડૂતો જાતે જ કોર્ટમા આવે તો અમે કાયદાકીય રીતે સાંભળીશુ. પણ બાદમાં કોરોના વાઈરસના લીધે 6 ગામના આદિવાસીઓ કોર્ટમા જઈ શકયા ન હતા. જો કે એ દરમિયાન નર્મદા નિગમ દ્વારા એ વિસ્તારમાં ફેન્સિંગ વાડ ઊભી કરવામાં આવી હતી. બીજી બાજુ કોઈ આદીવાસી ખેડૂતો પોતાના ગામમાંથી વિસ્થાપિત થવા તૈયાર થયા ન હતા અને વારંવાર 6 ગામના લોકોનું સ્થાનિક પોલિસ સાથે ઘર્ષણ થયા જ કરતું હતું. વિવાદ થમવાની જગ્યાએ વધી રહ્યો હતો. આ તમામની વચ્ચે સરદાર સરોવર નર્મદા નિગમ દ્વારા 6 ગામના વિસ્થાપિત જમીનના આદિવાસીઓ માટે ગોરા નજીક સંપૂર્ણ સુવિધાથી સજ્જ આદર્શ ગામ બનાવવાની શરૂઆત કરવામાં આવી છે. નર્મદા નિગમની આ કામગીરી સામે અમુક લોકોમાં રોષ છે તો અમુક લોકો આ યોજના પ્રત્યે સંતુષ્ટ છે, સાથે સાથે એવી પણ ચર્ચાઓ ચાલી રહી છે કે 6 ગામના મોટે ભાગના આદિવાસીઓ ગોરા આદર્શ ગામની યોજના પ્રત્યે નર્મદા નિગમને પોતાનું સમર્થન આપ્યું નથી. જો આ યોજના પૂર્ણ થશે તો 6 ગામના આદિવાસીઓ ગોરા ખાતેના આદર્શ ગામમાં રહેવા જાય છે કે કેમ એ મોટો પ્રશ્ન છે. આદર્શ ગામમા રહેવા જવા મુદ્દે પણ આગામી સમયમા આદિવાસીઓ અને પોલિસ વચ્ચે ઘર્ષણ સર્જવાના એંધાણ વર્તાઈ રહ્યા છે. 6 ગામને હટાવીને એક જ જગ્યાએ બધાને ઘર બનાવી આપી એક જ આદર્શ ગામ બની રહ્યું છે. સરકારની આ યોજના આદિવાસીઓ માન્ય રાખે છે કે કેમ એ તો સમય જ બતાવશે. પણ એક વાત નક્કી છે કે આદર્શ ગામથી એ વિસ્તારની કાયાપલટ જરૂર થશે.ગોરા પાર્કિંગની બાજુમાં બની રહેલું આ આદર્શ ગામ કુલ 21.29 હેકટર જમીનમાં બનશે. જેમાં કુલ 429 મકાનો હશે. એક મકાન 1345.5 ચો ફૂટનું હશે.આદર્શ ગામમા બાળકોને ભણવા માટે પ્રાથમિક શાળા, આંગણવાડી, દવાખાનું, સાર્વજનિક ભવન, હવાડો, બાગ, બાળકોને રમવાની જગ્યા, ગટર શુદ્ધિકરણ પ્લાન્ટ, પાણી શુદ્ધિકરણ પ્લાન્ટ, કોન્ક્રીટના રોડ, ભુગર્ભ ગટર યોજના, શેરીની બત્તી સહિત અનેક સુવિધાઓ ઉપલબ્ધ હશે.