રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ
દબાણો દુર કરવા માટે કાર્યવાહી કરવામાં લાજ શરમ નડતી હોવાની ચર્ચા
કેશોદ શહેરમાં નદી નાળા વોંકળામાં માટીપુરાણ કરી ભૂમાફિયાઓ દ્વારા કરવામાં આવેલાં દબાણો દુર કરવા માટે કેશોદ હિતરક્ષક સમિતિ ના કન્વીનર રાજુભાઈ પંડ્યા દ્વારા લેખિતમાં આપાતકાલીન વિભાગ અને કલેકટર કચેરીએ ફરિયાદ કરેલ છે. જે અંગે જવાબદાર માર્ગ મકાન વિભાગ જુનાગઢ કાર્યપાલક ઇજનેરને હુકમ કરી ચાર દિવસમાં કામગીરી હાથ ધરી અહેવાલ મોકલી આપવા આદેશ કર્યો હતો. અધિક નિવાસી કલેકટર અને આપાતકાલીન વિભાગ દ્વારા આદેશ કર્યો છે ત્યારે કાર્યપાલક ઇજનેર માર્ગ મકાન વિભાગ-જુનાગઢ અને નાયબ કાર્યપાલક ઇજનેર માર્ગ અને મકાન વિભાગ- કેશોદ દ્વારા હાઈવે રોડ પર આવેલ નિયંત્રણ રેખા ખુલ્લી કરાવવાને બદલે ભૂમાફિયાઓને છાવરવા કલેકટરનાં હુકમનો અનાદર કરી નોટીસો આપેલ, જેની મુદત પૂરી થયા બાદ કાર્યવાહી કરવામાં આવેલ નથી અને વોંકળામાં માટીપુરાણ કરી થયેલા દબાણોમાં પાણીનાં નિકાલ માટે ભૂંગળાં નાખ્યાનું રટણ રટવામા આવે છે. કેશોદ મામલતદાર કચેરી દ્વારા પણ પંચ રોજકામ કર્યાને એકાદ મહિના જેટલો સમય વિતી ગયો હોવા છતાં આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી અને માંગરોળ રોડ પર પાંચેક આસામીઓ દ્વારા દબાણ કર્યાં છે, ત્યારે એક સ્થળે રોજકામ કરીને સંતોષ માન્યો છે. કેશોદના માંગરોળ રોડ પર આવેલા વોકળાનું વહેણ અંદાજે ત્રીસ ફૂટ પહોળું હશે જેમાં આસામીઓ દ્વારા ત્રણ ત્રણ ફુટના ભૂંગળાં ઉંચાઈ પર નાંખેલા હોય જેથી સહેલાઈથી પાણી વહી શકતું નથી અને નિયંત્રણ રેખા પર દબાણ થયેલું છે. ત્યારે જવાબદાર તંત્ર પગલાં ભરવામાં અચકાઈ રહ્યું છે. રાજ્ય સરકાર દ્વારા કડક કાયદો બનાવેલ છે ત્યારે સ્થાનિક તંત્ર ભૂમાફિયાઓને છાવરવા માં લાગ્યું છે. રાજ્ય સરકાર દ્વારા વોકળા કાંઠે થતાં બિનખેતી વિસ્તારમાં આવવા જવા માટે પુલ બનાવવાની મંજૂરી આપવાની જોગવાઈ છે ત્યારે કેશોદ શહેરમાં તંત્ર દ્વારા આખા વોંકળામાં દબાણો કરવાની પરવાનગી આપી ભૂમાફિયાઓને કરોડો રૂપિયાનો ફાયદો આસપાસના રહેણાંક વિસ્તારોનાં ભોગે કરાવી રહ્યાં છે. કેશોદ શહેરમાં વોંકળામાં માટીપુરાણ કરી ભૂમાફિયાઓ દ્વારા કરવામાં આવેલાં દબાણો દુર કરવા માટે કેશોદ હિતરક્ષક સમિતિના કન્વીનર રાજુભાઈ પંડ્યા એ જણાવ્યું હતું કે જવાબદાર તંત્ર દ્વારા ગંભીરતાપૂર્વક પગલાં ભરવામાં આવશે નહીં તો ના છુટકે કોર્ટ કાર્યવાહી કરીશું અને ન્યાય મેળવશું.