રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ
આ વર્ષે ચોમાસામાં માંડલ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ થવાના કારણે મોટા ભાગના ખેડૂતોના 90 થી 100 ટકા પાક નિષ્ફળ ગયા હતાં, ત્યારબાદ ખેડૂતોએ ફરીથી વાવણી કરી હતી અને હવે ખરેખર પાણીની જરૂર છે ત્યારે ચોમાસું પણ પૂર્ણ થઈ ગયુ છે. જેના કારણે ખેડૂતોએ બીજી વખત જે વાવણી કરી તેને પાણીની જરૂર છે. માંડલ તાલુકાના કાચરોલ, જાલીસણા, નાયકપુર, વિંછણ, ઝાંઝરવા અને વનપરડી આ ગામોમાંથી જે ઝીંઝુવાડા શાખાની કેનાલ પસાર થઈ રહી છે. તેમાં હવે ગરમીના કારણે પાણી સુકાઈ ગયા છે અને હાલ આ કેનાલમાં પાણી નથી. જેથી માંડલ તાલુકાના જે જે ગામોમાંથી આ કેનાલ પસાર થઈ રહી છે તેવા ખેડૂતોની માંગ છે કે, આ કેનાલમાં જો પાણી છોડવામાં આવે તો અતિવૃષ્ટિ બાદ જે ફરીવાર વાવણી કરી છે તે પાક બચી શકે અને આગામી શિયાળું પાકમાં પણ સફળતા મળે જેના કારણે માંડલ તાલુકામાંથી પસાર થતી ઝીંઝુવાડા શાખાની કેનાલમાં પાણી છોડવા ખેડૂતોની માંગ છે.