રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ
હળવદમાં પ્રાથમિક, માધ્યમિક શિક્ષણનું હબ તો છે જ હવે તેમાં ઉચ્ચ શિક્ષણના અને માનવસેવાના વિવિધ કોર્ષ પણ શરુ થઈ રહ્યા છે. તાજેતરમાં હળવદની પતંજલિ સ્કુલ ખાતે ચિલ્ડ્રન યુનિવર્સિટી દ્વારા સગર્ભા બહેનોને માર્ગદર્શન મળી રહે તેવા શુભ આશયથી ‘ તપોવન કેન્દ્ર ‘ શરુ કરવા માટે મંજૂરી મળેલ છે . તેમજ હળવદની તક્ષશિલા કોલેજ ખાતે ડો. બાબાસાહેબ આંબેડકર યુનિવર્સિટી દ્વારા ડિસ્ટન્સ લર્નિંગ મોડમાં કોરોનાના સમયમાં જેની ખૂબ માંગ છે તેવો સેનેટરી ઇન્સ્પેક્ટરનો કોર્ષ મંજુર કરવામાં આવ્યો છે. આંબેડકર યુનિવર્સિટી દ્વારા સ્નાતક પછી એમ. એસ. ડબલ્યુ. નો કોર્ષ તો હવે વિદ્યાર્થીઓ અન્ડર ગ્રેજયુએટ લેવલે બીબીએ, બીસીએ, મલ્ટિમિડીયા અને એર ટ્રાવેલ મેનેજમેન્ટ જેવી વોકેશનલ અને પ્રોફેશનલ ડિગ્રી ઘરે બેઠા તૈયારી કરીને પણ મેળવી શકે તેવી સુવિધા ઉપસ્થિત થઈ છે. રજીસ્ટર્ડ વિદ્યાર્થીઓ શનિ અને રવિવારે વિવિધ કોર્ષની તૈયારી માટે પણ તક્ષશિલા કોલેજ પર આવી શકશે તેવી સુવિધા આપવાની વાત તક્ષશિલા કોલેજના મેનેજિંગ ડિરેક્ટર ડો. મહેશભાઈ પટેલે આ તકે કહી હતી. શાળાના ટ્રસ્ટી ડો. અલ્પેશ સિણોજીયાએ આ તકે તપોવન કેન્ર્દમાં સગર્ભા બહેનો માટે ભારતીય સંસ્કાર મુજબ ષોડશ સંસ્કાર, ગર્ભસંસ્કાર, આદર્શ વાંચન માટે લાયબ્રરી જેવી નોન મેડિકલ તાલીમની કલ્પના સાકાર થશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો.