રિપોર્ટર: ધનેશ રાઠી,પાલનપુર
કોરોનાની આવી પરિસ્થિતિમાં બુટલેગરો ,ચોરો વગેરે હાલમાં બેફામ બની રહ્યા હોય તેવું જોવા મળી રહ્યું છે ત્યારે ગુજરાત ATS અને બનાસકાંઠા SOG નું સંયુક્ત ઓપરેશન સફળ થયું હતું. ગુજરાતમાં ડ્રગ્સની હેરાફેરીનું પ્રમાણ વધતા ગુજરાત એટીએસ દ્વારા સતત વોચ રાખવામાં આવી રહી હતી. જેમાં એટીએસને માહિતી મળી હતી કે પંજાબના લુધીયાણાથી બે શખ્સો મહારાષ્ટ્ર પાસીંગની વેગનઆર કારમાં ચરસનો જથ્થો લઈને જવાના છે. જેને આધારે પોલીસે પાલનપુર ટોલનાકા પાસે મલાણા ગામ નજીક મહાકાલ હોટેલ પર વોટ ગોઠવી હતી. જેમાં વેગનઆર કાર આવતા જ પોલીસે તેને અટકાવીને તપાસ હાથ ધરી હતી. તપાસમાં કારમાં સફરજનની પેટીઓમાં સફેદ પ્લાસ્ટીકના થેલામાં માદક પદાર્થ મળી આવ્યો હતો. તપાસ કરતા આ માદક પદાર્થ ચરસ હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે ૧ કરોડ ૨ લાખ રૃપિયાની કિંમતનો ૧૬.૭૫૩ કિલોગ્રામ ચરસનો જથ્થો કબજે કરીને બે શખ્સોની અટક કરી હતી. બન્ને શખ્સોએ તેમના નામ ફહીમ અઝીમ બેગ (૩૧) અને સમીર અહેમદ શેખ (૨૭) હોવાનું જણાવ્યું હતું. ફહીમ મુબઈના માહિમ વેસ્ટનો રહેવાસી છે અને ટેક્સી ડ્રાઈવર તરીકે કામ કરે છે. જ્યારે સમીર મહારાષ્ટ્રના ઔરંગાબાદનો રહેવાસી છે. બન્ને સાળો બનેવી હોવાનું પોલીસે જણાવ્યું હતું. હવે અંદાજિત કરોડો રૂપિયાના ચરસ ઝડપાતાં મોટુ રેકેટ સામે આવે તેવી શક્યતા છે. ATS અને બનાસકાંઠા SOG પોલીસ વધુ તપાસ હાથ ધરી છે. પરંતુ એક વાત ચોક્કસ છે કે રાજસ્થાનમાંથી ગુજરાત તરફ મોટા પાયે દારૂ તેમજ માદક દ્રવ્યોની હેરાફેરી થઈ રહી છે.