રિપોર્ટર : પાયલ બાંભણિયા, ઉના
ગીર સોમનાથ જિલ્લામાં ચોમાસા દરમિયાન ભારે વરસાદે ખેડૂતોને આ વખતે વારંવાર ચિંતામાં મુક્યાં હતા. ચોમાસુ પાકોમાં પણ ભારે નુકસાન જોવા મળી રહ્યું છે. ત્યારે હાલ તો વધ્યો ઘટ્યો પાક ખેડૂતોએ કાઢવાનું શુભારંભ કરી દીધો છે. ખેડૂતો હવે ઇચ્છી રહ્યા છે હવે જો વરસાદ ન પડે તો થોડો ઘણો પાક સચવાય જાય અને મૂંગા પશુઓ નો ઘાસચારો પણ બચી જાય આ દ્રશ્યો છે ગીર સોમનાથ જિલ્લાના, જ્યાં સૌથી વધુ મગફળીનું વાવેતર થાય છે અને ચાલુ વર્ષે આમ તો જિલ્લા ભરમાં 98 હજાર હેકટર જમીનમાં મગફળીનું વાવેતર થયું છે. જેમાં 8 હજાર હેકટર જમીનમાં આગોતરા મગફળીનું વાવેતર થયું છે અને આ મગફળીની સમય મર્યાદા પૂર્ણ થતાં હવે ખેડૂતોએ પોતાની મગફળી જમીનમાંથી નિકાળવાની શરૂઆત કરી છે. ખેડૂતોના મતે ભારે વરસાદના કારણે મગફળી ખેંચવામાં ભારે તકલીફ ઊભી થાય છે. ન તો ટ્રેકટર ચાલે ન બળદ અને આમ પણ ભારે વરસાદના કારણે મગફળીમાં મોટું નુકસાન થયું છે અને હવે જે પાક બચ્યો છે તે જમીન બહાર ન કાઢવામાં આવે તો તૈયાર પાકમાં નુકસાની જાય તેમ છે. લાંબો સમય વરસેલા વરસાદના કારણે ખેડૂતોને મોટી નુકશાની તો થઈ છે, પરંતુ હજુ પણ પોતાના પાકને લઈ ખેડૂતો ચિંતામાં છે. સતત વરસેલા વરસાદના કારણે મગફળીમાં રાતડ, ફુગ જેવા રોગો દેખાઈ છે.