રિપોર્ટર: પ્રિતેશ દરજી,શહેરા
શહેરાના લાભી ગામના જેસોલિયા ફળિયામાં મોટા ભાઈને નાના ભાઈએ ગંદી ગાળો બોલવા માટે ના કહેતા ખૂની ખેલ ખેલાયો હતો. મરણ જનારને પોતાના મોટા ભાઈ તેમજ મોટાભાઈની પત્ની અને સસરા એ ગુસ્સામાં આવીને લાકડીથી અને હાથથી માર મારતા મોત નીપજ્યું હતુ. પોલીસ ઘટના સ્થળે પહોંચીને તપાસના ચક્રો ગતિમાન કરવા સાથે આ મામલે ૩૦૨ મુજબ ત્રણ સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જ્યારે આ બનાવને લઇને સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી.
શહેરા તાલુકાના લાભી ગામના જેસોલીયા ફળિયામાં રતનભાઇ ધુળાભાઈ પગી અને તેના નાના ભાઈ નરવત ધુળાભાઈ પગી બન્ને ના ઘર એકબીજાને અડીને આવેલા છે. જ્યારે મોટાભાઈ રતન ગંદી ગાળો બોલતો હોવાથી નાનાભાઈએ ગાળો બોલવાની ના પાડતા ઝઘડો થયો હતો. ત્યારબાદ રતન પોતાના ઘરે જઈને ગુસ્સામા ઘરેથી લાકડી લઈને આવીને નરવત ને છાતીના ભાગે માર મારવા લાગ્યો હતો. તે સમયે મોટાભાઈની પત્ની કૈલાશબેન તેમજ તેના સસરા બળવંતભાઈ નાથાભાઇ પગી તેઓ પણ આવી જઈને મોટાભાઈને કેમ સામે બોલે છે તેમ કહીને નરવત ને માર મારવા લાગ્યા હતા. તે સમયે નરવત ભાઈની પત્ની સુમિત્રાબેન અને તેની માતા ગંગાબેન છોડાવવા માટે વચ્ચે પડતા તેમને પણ માર મારવાનુ શરૂ કરતાં તેઓ સ્થળ છોડીને ભાગી ગયા હતા. જ્યારે લાકડી તેમજ મારના કારણે ઘરઆંગણે નરવત પગીનુ મોત નીપજ્યું હતુ. બનાવની જાણ પોલીસને થતા પોલીસ મથકના પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે.કે.ભરવાડ, રણજીતસિંહ સહિતનો પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે આવીને તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. મરણ જનાર નરવત ભાઈ ધુળાભાઈ પગીની લાશ ને પોસ્ટ મોર્ટમ માટે બ્લોક હેલ્થ કચેરી ખાતે મોકલવામાં આવી હતી. પોલીસ મથક ખાતે સુમિત્રાબેન પગી એ પોતાના પતિની હત્યા કરીને ફરાર થનાર રતનભાઇ ધુળાભાઈ પગી તેમજ પોતાની સગી બહેન કૈલાશબેન તેમજ પોતાના પિતા બળવંતભાઈ નાથાભાઈ પગી સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ૩૦૨ મુજબ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.