રિપોર્ટર: નિમેષ સોની,ડભોઇ
ડભોઇ તાલુકાના છેવાડા ના વિસ્તારમાં આવેલ ભીલોડીયા ગામમાં છેલ્લા દસ દિવસથી ખેતી માટેના વીજ કનેકશનોમાં વીજળીનો પ્રવાહ નિયમિત અને પૂરતા પ્રમાણમાં મળતો ન હોવાથી ગામના સરપંચની આગેવાનીમાં ખેડૂતો અને ગ્રામજનોએ સંખેડાની મધ્ય ગુજરાત વીજ કંપનીની કચેરી પર રૂબરૂમાં જઈ હલ્લાબોલ કરી પોતાની માંગણીઓ બાબતે રજૂઆત કરી આવેદનપત્ર આપ્યું હતું. ગ્રામજનો પાસેથી મળતી માહિતી મુજબ આ ગામ ડભોઇ તાલુકા અને સંખેડા તાલુકાની બોર્ડર પર આવેલું ગામ છે .આ ગામ ના ગ્રામજનોની જીવાદોરી સમાન આર્થિક પ્રવૃત્તિ માત્ર ખેતી-પશુપાલન જ છે. સમગ્ર ગ્રામજનો ની આવકનું એક માત્ર સાધન ખેતી જ છે. જ્યારે હાલના કોરોનાની મહામારી ના સમયે અને અતિવૃષ્ટિને કારણે આમ પણ ખેડૂતો આર્થિક રીતે પાયમાલ થઈ ગયા છે ત્યારે તેવા સંજોગોમાં ખેડૂતોને પુરતા પ્રમાણમાં પોતાની ખેતીના પાક માટે પાણી વાળવા માટે વીજ પ્રવાહ મળતો નથી. જેથી ગ્રામ લોકો પોતાના ખેતરમાં પાણી વાળવા માટે મજુરોને રોકી મજૂરોને લઈને ખેતરે જાય છે ત્યારે વીજપ્રવાહ ન હોવાને કારણે કલાકો ના કલાકો સુધી ખેડૂતોને પોતાના ખેતરોમાં બેસી રહેવું પડે છે અને મજૂરોને તેમની મંજૂરી ચૂકવવી પડે છે જેથી મોટા પ્રમાણમાં આર્થિક નુકસાન જાય છે .ખેડૂતો પાસેથી મળતી માહિતી મુજબ સદર ગામમાં રાત્રી દરમિયાન જંગલી હિંસક પ્રાણીઓનો ભય રહે છે જેથી રાત્રિના સમયે વીજ પુરવઠો ન હોય તો અંધકારમય વાતાવરણમાં તેમના જીવને મોટું જોખમ રહે છે સદર ગામ ડભોઈ તાલુકામાં આવેલ છે અને વીજ પ્રવાહ માટે તેમને સંખેડા સબડિવિઝન પર આધાર રાખવો પડે છે ત્યારે આ ડિવિઝનના કર્મચારીઓ આ ગામ પ્રત્યે ઓરમાયું વર્તન રાખે છે અને તેમની આ સમસ્યાનો ઉકેલ લાવતા નથી. જેથી ગ્રામજનોની માંગણી છે કે તેમના ગામને કાર્યપાલક ઇજનેર મધ્ય ગુજરાત વીજ કંપનીના ડભોઇ ડિવિઝનમાં સમાવી લેવામાં આવે જેથી તેમની આ સમસ્યાનો સત્વરે ઉકેલ આવે અને આર્થિક ફટકો પડતો બંધ થાય .સદર સંખેડા ડિવિઝનના કર્મચારીઓ આ બાબતે ગ્રામજનોને ઉધ્ધત અને ઉડાઉ જવાબો આપી રવાના કરી દે છે. જેથી આજરોજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહી આ વીજપ્રવાહ બાબતની સમસ્યાનો ઉકેલ નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી આપી હતી અને ઉપસ્થિત અધિકારીને આવેદનપત્ર આપી પોતાની રજૂઆતો કરી હતી. ગ્રામજનોની માંગણી છે કે તેમને પડતો આર્થિક ફટકો બંધ થાય અને સમયસર અને નિયમિત પૂરતા પ્રમાણમાં વીજપ્રવાહ મળે તેવી સત્વરે કાર્યવાહી થાય અને ગ્રામજનોને પડતી આ મુશ્કેલી બાબતે રાજકીય અગ્રણીઓ પણ રસ લઇ તેમની આ સમસ્યાનો નિવેડો લાવે તેવી માંગણી કરી હતી.