રિપોર્ટર: નિમેષ સોની,ડભોઇ
ડભોઇ તાલુકાના કરનાળી ગામે શ્રી કુબેરેશ્વર ધામથી પ્રસિદ્ધ મંદિર આવેલું છે જ્યાં દરેક માસે દૂરદૂર થી દર્શનાર્થીઓ અમાસ ભરવા માટે આવતા હોય છે. હાલમાં કોરોનાની મહામારી ચાલી રહી છે. તેવા સમયમાં કરનાળી ગામમાં બેંક ઓફ બરોડા તથા એસ.બી.આઈના એટીએમ સેન્ટરો ધણા લાંબા સમયથી બિનકાર્યરત છે. લોકો સાવચેતીના ભાગરૂપે એટીએમનો ઉપયોગ કરતા હોય છે. તેવા જ સમયે આ એટીએમ કાર્યરત નથી. જેથી પ્રજાજનોને ભયંકર મુશ્કેલીનો સામનો કરવો પડે છે. સ્વ. અરૂણ જેટલીએ ચાંદોદ તથા કરનાળી તીર્થક્ષેત્રોને સાંસદ આદર્શ ગ્રામ યોજના અંતર્ગત દત્તક લેતા બંન તીર્થક્ષેત્રોના વિકાસ કામો થતા રહ્યા છે. જેમાં વિવિધ રોડ,પાર્કીગ,સ્પોર્ટ સંકુલ,ચાંદોદ કરનાળીને ઓરસંગ નદી પર માતબર જંગી રકમથી બનેલ રોડ તથા નાણાકીય ક્ષેત્રમાં બેન્કિંગ સેવા, સહ વર્ષ દરમિયાન આવતા લાખો શ્રદ્ધાળુઓની ઇમરજન્સી નાણાંકીય સુવિધા પુરી પાડવા માટે બનાવેલ બેંક ઓફ બરોડાનું એ.ટી.એમ ધણા સમયથી શોભાના ગાંઠિયા સમાન બિન કાર્યરત અવસ્થામાં છે. તો વળી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના એ.ટી.એમની પણ એ જ દશા હોઈ સ્થાનિક લોકોને જરૂરિયાતના સમયે નાણા ઉપાડવાની ભારે તકલીફ પડી રહી છે. હાલમાં કોરોના વાઈરસ જેવી મહામારી ચાલી રહી છે તેવા સમયે તો સંક્રમણથી બચવા માટે દરેક વ્યક્તિ સાવચેતી રાખતી હોય છે. માટે તેવો બેંકની શાખામાં જવાનું ટાળી એ.ટી.એમનો ઉપયોગ કરતા હોય છે. ત્યારે કુબેરેશ્વર ધામ ખાતે ઈમરજન્સી નાણાકીય સુવિધા માટે આ એ.ટી.એમ બનાવવામાં આવ્યા છે ત્યારે તે હેતુ સિદ્ધ થતો નથી. જેથી સ્થાનિક ગ્રામજનોની ધારદાર માંગણી છે કે તાત્કાલિક ધોરણે આ બંનેએ.ટી.એમ કાર્યરત થાય અને આવનાર લાખો શ્રદ્ધાળુઓ, દર્શનાર્થીઓ માટે તેમજ સ્થાનિક રહીશો માટે આ એ.ટી.એમ ની સુવિધા જરૂરિયાતના સમયે ઉપયોગી નીવડે તેવી માંગ ચોતરફથી ઉઠવા પામી છે.