રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ
સરકારની સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત 288.70 લાખનું આધુનિક ટાઉન હોલનું લોકાર્પણ કાર્યક્રમ યોજાયો…
આજરોજ તા.૧૦ ઓક્ટોબરના રોજ વિરમગામ નગરપાલિકા દ્વારા ગુજરાત સરકારની સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત વિરમગામના અત્યાધુનિક ટાઉનહોલનું લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે વિડીયો કોંફરન્સના માધ્યમથી ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, અમદાવાદ જિલ્લા ભાજપ પ્રમુખ આર.સી.પટેલ, વિરમગામના પૂર્વ ધારાસભ્ય તેજશ્રીબેન પટેલ, અમદાવાદ જિલ્લા મહામંત્રી નવદીપભાઈ ડોડીયા, વિરમગામ નગરપાલિકાના પ્રમુખ રીનાબેન પંડ્યા, નગરપાલિકાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ, કાઉન્સિલરો, હોદ્દેદારો, વિરમગામ પ્રાંત સુરભી ગૌતમ, અન્ય આગેવાનોમાં કિરીટસિંહ ગોહિલ,દિલીપભાઈ ડોડીયા, નિલેશ ચૌહાણ, વિરોધ પક્ષના નેતા રણજીતસિંહ ડોડીયા તથા સૌ ભાજપના આગેવાનો, કાર્યકરો તેમજ વિરમગામ નગરજનો ઉપસ્થિત રહ્યાં હતાં. ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ગાંધીનગરથી વિડીયો કોંફરન્સના માધ્યમથી આ કાર્યક્રમમાં જોડાઈ જતાં સૌપ્રથમ આગેવાનો દ્વારા દીપપ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આખા કાર્યક્રમની રૂપરેખા અને સરકારની કામગીરી અંગે માહિતી અપાઈ હતી, અને ત્યારબાદ વિરમગામ નગરપાલિકાના પ્રમુખ રીનાબેન અને પૂર્વ ધારાસભ્ય દ્વારા સંબોધન કરવામાં આવ્યું હતું. સ્થાનિક સંબોધન પૂર્ણ થયા ત્યારબાદ ગાંધીનગરથી મુખ્યમંત્રી દ્વારા વિરમગામની જનતાને સંબોધન કરતાં જણાવ્યું હતું કે, સરકારની સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત 288.70 લાખનું આધુનિક ટાઉન હોલનું લોકાર્પણ અંતર્ગત વિરમગામ નગરપાલિકાના સર્વે હોદેદારો અને વિરમગામની જનતાને અભિનંદન આપ્યા હતા. મુખ્યમંત્રીએ તેમના સંબોધનમાં જણાવ્યું હતું કે, વિરમગામ એ ઐતિહાસિક નગર છે, સૌરાષ્ટ્રમાં વિરમગામને વાયા વિરમગામ તરીકે ઓળખવામાં આવે છે અને વાયા વિરમગામ શબ્દનો ઉપયોગ કરવો જ પડે, તેમને ઐતિહાસિક મુનસર તળાવ અને મીનળદેવીને યાદ કરતાં જણાવ્યું હતું કે આ ઐતિહાસિક તળાવનો વિકાસ કરો, રૂપિયા રાજ્ય સરકાર મોકલશે, વિરમગામનું નગરપાલિકા આધુનિક બને, નગરપાલિકા ડીઝીટલ બનાવો દુનિયાના નકશામાં વિરમગામને અગ્રેસર બનાવો, આપણી સરકારે મહત્વના નિર્ણયો લીધા છે, આપણી સરકાર વિકાસને અગ્રીમતા આપે છે, આપણી સરકાર રોડ,રસ્તા,સફાઈ લોકોની સુખાકારી, આજીવિકા પુરી પાડવામાં સફળ રહી છે. ત્યારે મુખ્યમંત્રીએ આ ટાઉનહોલના ઉદ્ઘાટન પ્રસંગે જણાવ્યું હતું કે, ટાઉનહોલ એ ગામની ઓળખ છે, ટાઉનહોલમાં નગરના સારા નરસા પ્રસંગો થાય, સામાજિક, રાજકીય ધાર્મિક કાર્યક્રમો યોજાય તે હેતુથી વિરમગામને 288.70 લાખના ખર્ચે રાજ્ય સરકારે ટાઉનહોલનું અત્યાધુનિક બિલ્ડીંગ આપ્યું છે. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, આપણે અગાઉ પણ વિરમગામના નગરપાલિકાના બિલ્ડીંગ, બસ સ્ટેશન લોકાર્પણો કર્યા છે. રાજ્ય સરકાર જેનું ખાતમુહૂર્ત કરે છે તેનું લોકાર્પણ પણ કરે છે. આમ અંતમાં મુખ્યમંત્રીએ વિરમગામનો પુષ્કળ વિકાસ થાય તેવી આશા અભિનંદન સાથે પોતાની વાતને પુરી કરી હતી. આમ આજરોજ સરકારની સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત સ્વામી વિવેકાનંદ હોલ નું 288.70 લાખનું આધુનિક ટાઉન હોલનું લોકાર્પણનો કાર્યક્રમ યોજાયો હતો.