પાનમડેમ માંથી આ વર્ષે ઉનાળુ સીઝનમાં સિંચાઈનું પાણી નહીં આપવા અંગે ગોધરા ખાતે મળેલી સિંચાઈ સલાહકાર સમિતિની બેઠકમાં સર્વાનુમતે નિર્ણય લેવાયો છે. ઉલ્લેખનીય છે કે આ વર્ષે પાનમ જળાશય ૧૯% ખાલી રહ્યું છે જેને લઈ હાલ ડેમમાં જે પાણીનો જથ્થો ઉપલબ્ધ છે જેના ઉપયોગ અંગેનું ગણિત કર્યા બાદ ઉક્ત નિર્ણય લેવાયો છે.પાનમડેમ માંથી પંચમહાલ, વડોદરા અને મહીસાગર જિલ્લાના ૧૩૨ ગામના ખેડૂતોની ૩૦ હજારથી વધુ હેકટર જમીન માટે સિંચાઈ પાણીની સુવિધા પૂરી પાડવામાં આવે છે.
પંચમહાલ જિલ્લામાં આવેલો પાનમડેમ પંચમહાલ, મહીસાગર અને વડોદરા જિલ્લાના ૧૩૨ ગામના ખેડૂતો માટે જીવાદોરી સમાન છે. જેના મારફતે ૩૬૫૦૪ હેકટર જમીનમાં ઉનાળુ અને શિયાળુ પાક માટે ખેડૂતોને પાણી આપવામાં આવે છે.૧૦૦ કીમી લાંબી આ કેનાલનું સિંચાઈ સુવિધા આપવા માટે કુલ ૯૦૦ કીમી નેટવર્ક પથરાયેલું છે.પાનમ જળાશય આધારિત સિંચાઈ સુવિધાની વ્યવસ્થા માટે સિંચાઈ સલાહકાર સમિતિની રચના કરવામાં આવી છે. જેની દર વર્ષે એક વાર બેઠક મળે છે જેમાં અધિકારીઓ અને પદાધિકારીઓની અધ્યક્ષતામાં જરૂરી ચર્ચાઓ કરી નિર્ણય લેવામાં આવે છે. જે મુજબ ગુરૂવારે ગોધરા ખાતે સિંચાઈ સલાહકાર સમિતિની બેઠક મળી હતી. દરમિયાન આ વર્ષે ડેમમાં ચોમાસા દરમિયાન ૧૯% જેટલો ઓછો ભરાયો છે તેમજ વર્તમાન પાણીના જથ્થાના ઉપયોગ અંગે ચર્ચા કરવામાં આવી હતી.જેના અંતે આગામી ઉનાળુ સીઝનમાં ડેમ માંથી સિંચાઈ માટે ખેડૂતોને પાણી નહિં આપવા અંગેનો નિર્ણય સર્વાનુમતે લેવામાં આવ્યો છે.બેઠકમાં લુણાવાડા અને કાલોલ ધારાસભ્ય,પંચમહાલ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ ગોપાલભાઈ પટેલ,સમિતિના સભ્યો અને પાનમ સિંચાઈ વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.વધુમાં બેઠકમાં હાલ ખરીફ પાક માટે કેનાલ મારફતે આપવામાં આવતું સિંચાઈ પાણી ૧૫ ઓક્ટોમ્બર સુધી આપી બંધ કરવામાં આવશે .જેનાબાદ કેનાલમાં જરૂરી મરામત કામગીરી ૧૫ નવેમ્બર સુધી હાથ ધરવા અંગેનો નિર્ણય લેવાયો છે.
ડેમમાં સંગ્રહિત પાણીના જથ્થાની સ્થિતિ
પાનમડેમમાં હાલ પાણીનું લેવલ ૧૨૫.૮૦મીટર છે.ચાલુ વર્ષે ડેમમાં ૧૯% પાણીનો જથ્થો ઓછો છે.હાલ ઉપલબ્ધ પાણીના જથ્થા પૈકી ૧૬૦ મિલીયન ઘનમીટર પાણી સિંચાઈ માટે,૧૫ એમસીએમ પાણી પુરવઠા માટે,૨૫ એમસીએમ ડેડ સ્ટોરેજ,૩૦ એમસીએમ લીકેજ અને બાષ્પીભવન થવાની શક્યતાઓ થવાનો અંદાજ લગાવી આગામી ઉનાળુ સીઝનમાં પાણી શકાશે નહીં એમ નાયબ કાર્યપાલક ઈજનેર એન.એ.ખાંટ, પાનમ સિંચાઈ યોજના દ્વારા જણાવવામાં આવ્યું હતું.
નર્મદા કેનાલ મારફતે પંચમહાલની નદીઓમાં પાણી ભરવામાં આવે – ગોપાલભાઈ પટેલ.
પંચમહાલ જીલ્લા પંચાયતના ઉપપ્રમુખ,જિલ્લા કિસાન સંઘના પ્રમુખ અને સિંચાઈ સલાહકાર સમિતિના સભ્ય ગોપાલભાઈ પટેલે ગોધરા ખાતે સિંચાઈ સલાહકાર સમિતિની મળેલી બેઠકમાં ખાસ રજુઆત કરી મુદ્દાનો ઠરાવ કરી માંગણી સરકારમાં મોકલવા રજુઆત કરી છે.ચાલુ વર્ષે જ પાનમડેમમાં પાણીનો જથ્થો ઓછો હોવાથી ખેડૂતોને ઉનાળુ સીઝનમાં પાણી નહિં આપવા નિર્ણય લેવાયો છે. ત્યારે આ પ્રમાણે જયારે વરસાદ પણ ઓછો હોય એવા સંજોગોમાં ખેડૂતોની માઠી હાલત થાય છે. જો નર્મદા કેનાલ મારફતે પંચમહાલ જિલ્લાની મોટી નદીઓમાં પાણી ભરવામાં આવે તો ખેડૂતો માટે ખૂબ જ લાભદાયક બની રહેશે.જેના માટે સરકાર ખાસ યોજના બનાવવા વિચારણા કરે એવી માંગણી કરતી રજુઆત કરવામાં આવી હોવાનું ગોપાલભાઈ પટેલે જણાવ્યું હતું.