નર્મદામાં કોરોના વોરિયર્સ સામે મામલતદારનું બીભત્સ વર્તન: આરોગ્ય કર્મીઓ ઉતર્યા હડતાળ પર.

Latest Narmada
બ્યુરોચીફ: અંકુર ઋષી,રાજપીપળા

તિલકવાડા મામલતદારે મને સ્ટાફની સામે બીભત્સ ગાળો ભાંડી ધાક ધમકીઓ આપી: ઇન્ચાર્જ અધિક્ષક ડો.રતન કુમાર રંજને અવ્યવસ્થા ઉભી થવાની સંભાવનાઓને લઈને ઉચ્ચ આરોગ્ય અધિકારીઓએ મામલો થાળે પાડ્યો.

કોરોના મહામારીમાં તબીબો દિવસ રાત એક કરી કોરોના દર્દીઓની સારવાર કરી રહ્યા છે. કેટલાક તબીબો અને અન્ય તબીબી સ્ટાફના કર્મીઓ કોરોનાની સારવાર કરતા કરતા પોતે જ કોરોના સંક્રમિત બન્યા છે તો એમાંથી કેટલાકે તો પોતાનો જીવ પણ ગુમાવ્યો છે. ત્યારે નર્મદા જિલ્લાના કલાસ-૧ તબીબી અધિકારી સામે મામલતદારે બીભત્સ વર્તન કર્યું હોવાની એક ઘટના સામે આવી છે. નર્મદા જિલ્લાના તિલકવાડા CHCના ઈ/ચા અધિક્ષક ડો.રતન કુમાર રંજને તિલકવાડા મામલતદાર પર બીભત્સ વર્તન અને ધમકીઓ આપવાનો ગંભીર આક્ષેપ લગાવ્યો છે. આ ઘટના બાદ તિલકવાડા CHCના આરોગ્ય કર્મીઓ હળતાળ પર ઉતરી પડતા ખળભળાટ મચ્યો હતો. તિલકવાડા CHCના ઈ/ચા અધિક્ષક ડો.રતન કુમાર રંજને જણાવ્યું હતું કે વૃદ્ધ પેંશન યોજનામાં ઉંમરના પ્રમાણપત્ર મુદ્દે તિલકવાડા મામલતદાર મારી કચેરીમાં આવી મને મારા સ્ટાફની સામે બીભત્સ ગાળો ભાંડી ધાક ધમકીઓ આપી હતી. મારી સાથે ઉદ્ધત વર્તન કરી મારુ અપમાન કર્યું હતું. આ મામલે તિલકવાડા મામલતદાર વિરુદ્ધ મેં સ્થાનિક પી.એસ.આઈ ને લેખિત રજુઆત કરી છે. આગામી સમયમાં અમે આ મામલે નર્મદા જિલ્લા કલેકટર ને લેખિત રજુઆત કરી મામલતદાર સામે કાર્યવાહી કરવા માંગણી કરીશું. એક તરફ કોરોના મહામારી ચાલી રહી છે એવા સમયે આરોગ્ય કર્મીઓની હડતાળને પગલે જિલ્લામાં અવ્યવસ્થા ઉભી થવાની સંભાવનાઓ હતી, જેથી જિલ્લાના ઉચ્ચ આરોગ્ય અધિકારીઓ તિલકવાડા દોડી આવ્યા હતા અને એમને ભવિષ્યની સ્થિતિનો ખ્યાલ આપી હડતાળ સમેટવા વિનંતી કરી હતી. કોરોના મહામારીને લીધે કોઈ અવ્યવસ્થા ન સર્જાય એ માટે આરોગ્ય કર્મીઓએ પોતાની હડતાળ સમેટી લીધી હતી. જો કે આગામી સમયમાં તમામ આરોગ્ય કર્મીઓ નર્મદા કલેકટરને મળી તિલકવાડા મામલતદાર વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરશે.તેવું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *