વડોદરાના યુવક સાથે લગ્નનું ષડયંત્ર રચી ૩ મહિલાઓ દ્વારા રૂપિયા ખંખેરી લેવામાં આવ્યા હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ન્યુ સમા રોડ વિસ્તારમાં જલારામ હાઉસિંગ ટેનામેન્ટમાં રહેતા જૈમીન પરમાર નામના ડિવોર્સી તેના પરિચિતોને બીજા લગ્ન માટે વાત કરતા તેમના એક સંબંધીએ વિપુલભાઈ નામના શખ્સનો સંપર્ક કરાવ્યો હતો. ત્યાર બાદ આ વિપુલભાઈ મહેતા નામના શખ્સએ ફેબ્રુઆરી માસમાં તેની સાથે હાથીખાના વિસ્તારની અફસાના બાનુ સૈયદ નામની મહિલાને લઈ જૈમીન ના ઘરે આવ્યા હતા અને યુવતીઓના ફોટા બતાવ્યા હતા. પરંતુ જૈમીનને યુવતી પસંદ પડી ન હતી. ત્યાર બાદ તા.૩૦ જુલાઈએ અફસાના બાનુ અને શોભનાબેન જાદવ જૈમીનના ઘરે આવ્યા હતા અને શોભનાબેનની ભાણી ઉષા તેજરાવ પાટીલ નામની અનાથ યુવતી વિશે વાત કરતાં જૈમીને લગ્ન કરવાની હા પાડી હતી. આ વખતે અફસાના બાનુ અને શોભનાબેને યુવતીની તમામ જવાબદારી લીધી હતી.અને ત્યાર બાદ બીજા જ દિવસે પાદરા ખાતે એક વકીલની ઓફિસમાં લગ્નના કાગળો તૈયાર કરાવવામાં આવ્યા હતા અને જૈમીન સાથે ઉષાના લગ્ન કરાવાતા જૈમીને ઉષાની માસી શોભના ને રોકડા રૂ. ૫૦ હજાર આપ્યા હતા. નવ દિવસ બાદ શોભનાબેન તેને ભાણીને પગફેરો કરવા માટે ઔરંગાબાદ લઈ ગયા તે વખતે જમીને શોભનાબેન ને ફરી રૂ. ૬૦ હજાર આપ્યા હતા. બે દિવસ બાદ નવવધૂ ઉષા પરત નહીં આવતા જૈમીને ફોન કર્યો હતો. પરંતુ ઉષાએ તેની સાથે તોછડું વર્તન કર્યું હતું. આ બનાવ બાદ ઉષાએ તેનો ફોન બંધ કરી દીધો હતો.
આ બાબતે યુવકનેને પોતે ઠગાયો છે તેમ લાગતા અફસાના બાનુ અયુબ અલી સૈયદ રહે. હાથીખાના, મન્સૂરી મસ્જિદ નજીક, વડોદરા, શોભના રતનભાઇ જાદવ રહે.ઔરંગાબાદ, ઉષા તેજરાવ પાટીલ રહે.જૂન્ની ગામ, નાંદેડ, મહારાષ્ટ્ર વિરુદ્ધ ફતેગંજ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી છે.પોલીસે ફરિયાદના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
