વિશ્ર્વમાં કોરોના સંક્રમણનો બીજો તબક્કો શરૂ થઇ ગયો છે અને હવે યુરોપના અનેક દેશોમાં સતત કેસ વધતા જતા ફરી એક વખત અડધુ યુરોપ લોકડાઉન હેઠળ જાય તેવી શક્યતા પણ નકારાતી નથી. ફ્રાંસમાં સંક્રમણ વધતા નવા પ્રતિબંધાત્મક આદેશો લાદી દીધા છે. અહીં બાર, રેસ્ટોરા ૧૫ દિવસ માટે બંધ કરી દેવામાં આવ્યા છે. નવા સંક્રમિત લોકોને કારણે હોસ્પિટલોમાં ફરી કેસ વધવા લાગ્યા છે અને મૃત્યુઆંક પણ વધ્યો છે. તેથી ફરી એક વખત રાષ્ટ્રીય લોકડાઉનની ચર્ચા શરૂ થઇ ગઇ છે. તો જર્મનીમાં લોકોને એકત્ર થવા એટલે કે સોશ્યલ ગેધરીંગ, ખેલકુદની સ્પર્ધાઓ તથા જાહેર તહેવારો જેવી સ્થિતિમાં લોકોને એકત્ર થવા પર પ્રતિબંધ મુકી દીધો છે. તા.૧ ઓક્ટોબરથી હાઈરીસ્ક એટલે કે જ્યાં કોરોના વધુ છે તે દેશોમાંથી આવતા લોકો માટે ફરી એક વખત ૧૪ દિવસનું સેલ્ફ આઈસોલેશન ફરજીયાત બનાવાયું છે અને માસ્ક ન પહેરવા બદલ ૫૦ યુરોનો દંડ જાહેર કરવામાં આવ્યો છે.
ફ્રાંસ, જર્મની, ઇટલી, સ્પેન અને નેધરલેન્ડમાં કોરોના સંક્રમણ વધ્યું: અનેક યુરોપીયન દેશોએ સંક્રમણ વધતા જ ધડાધડ પ્રતિબંધાત્મક આદેશો જાહેર કરી દીધા : માસ્ક નહીં પહેરવાનો દંડ વધારાયો : સોશ્યલ ગેધરીંગમાં ૩ થી ૬ વ્યક્તિઓ વધુ નહીં તેવા આદેશો લાગુ : ઇટલીમાં નાઈટ ક્લબ અને ડાન્સબાર બંધ કરી દેવાયા.
ઇટલી કે જે એક સમયે ચીન બાદનું કોરોના સંક્રમણમાં સૌથી વધુ અસરગ્રસ્ત રાષ્ટ્ર હતું ત્યાં પણ ફરી કોરોના સંક્રમણ વધ્યું છે અને આ દેશમાં નાઈટ ક્લબ અને ડાન્સ બાર બંધ કરી દેવામાં આવ્યા છે. ઘરની બહાર નીકળતા લોકો માટે માસ્ક ફરજીયાત છે અને સોશ્યલ ડીસ્ટન્સ સહિતના નિયમો લાગુ કરાયા છે. નેધરલેન્ડમાં પણ તા. 29 સપ્ટેમ્બરથી તમામ ખેલકૂદ સ્પર્ધાઓમાં પ્રેક્ષકોને સામેલ કરવા પર પ્રતિબંધ મુકાયો છે. ત્રણથી વધુ લોકો એક જ સ્થળે ભેગા નહીં થઇ શકે. માસ્ક તો મોટા શહેરોમાં બાર અને રેસ્ટોરામાં ફરજીયાત કરાયા છે.
સ્પેનમાં પણ અગાઉ કોરોનાએ ભારે ખુવારી કરી હતી અને ફરી એક વખત અહીં સોશ્યલ ગેધરીંગ પર નિયંત્રણો મુકાયા છે. છથી વધુ લોકો એકત્ર થઇ શકશે નહીં. શરાબની દુકાનો અને અન્ય સ્થળો પર પણ લોકોને એકત્ર થવા પર નિયંત્રણો મુકાયા છે અને છ વર્ષથી ઉપરના દરેક માટે બહાર નીકળતા સમયે માસ્ક પહેરવું ફરજીયાત છે.