રિપોર્ટર: સુરેશ પગી,કડાણા
મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના બારેલા ગૃપ ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા પોતાની મરજી મુજબ કામગીરી કરવા બદલ સભ્યો દ્વારા અવિશ્વાસની દરખાસ્ત દાખલ કરવામાં આવી હતી. બારેલા ગૃપ ગ્રામ પંચાયતના સરપંચ તરીકે કલ્પનાબેન હરીશભાઈ ચૂંટાયા હતા. છેલ્લા ચાર વર્ષથી તેમના પતિ દ્વારા પંચાયતમા વહીવટ કરવામાં આવે છે. તેમણે વારંવાર રજુઆત કરવા છતાં તેઓ તેમ જણાવે છે કે અમારા પિતા રામાભાઈ તલાટી છે એટલે અમે અમારી મરજી મુજબ કામ કરીશું. અધિકારીઓ અમારા છે જેથી તમારું કશું ચાલશે નહી.
આમ સરપંચ દ્વારા પંચાયતમા જે પણ કામ કર્યા હતા તે સભ્યોની કોઈ પણ પ્રકારની સંમતિ લીધા વગર અને પોતાની મરજી મુજબ કામગીરી કરવામાં આવી હતી. જે પણ કામ કરેલા જેવા કે ઇન્દિરા આવાસ, ચેકડેમ,બોર મોટર, આર.સી.સી જેવા કામ તેમના મળતીયાઓ દ્વારા કરાવેલ. પંચાયતના ઠરાવ મુજબ કોઇ પણ કામગીરી કરવામાં આવી નથી. અને જે પણ કામગીરી કરવામાં આવી છે. તે પણ હલકી ગુણવત્તાના કારણે રોડ,ચેક ડેમો ટુટી જવા પામ્યા છે. જેના કારણે સરપંચ વિરુદ્ધ પંચાયતના ચુંટાયેલ સભ્યો દ્વારા અવિશ્વાસની દરખાસ્ત મૂકવામાં આવી હતી.