ઓનલાઈન એજ્યુકેશન લેતા બાળકોએ તેમના આંખના સ્વાસ્થ્યની વિશેષ દરકાર લેવી જરૂરી.

Mahisagar
રિપોર્ટર: દિવ્યાંગ પટેલ,મહીસાગર

કોરોનાને કારણે આજે ફરિજયાતપણે બાળકોને ઓનલાઈન એજ્યુકેશન લેવાનો વારો આવ્યો છે. ત્યારે ટેકનોલોજીના વપરાશ સાથે તેના લાભ-ગેરલાભ પણ જોડાયેલા હોય છે. તેથી ઓનલાઈન એજ્યુકેશન મેળવી રહેલા દરેક બાળકોએ તેમના આંખના સ્વાસ્થ્યની વિશેષ દરકાર લેવી જરૂરી છે.

કોરોના કાળામાં ઓનલાઈન એજ્યુકેશન મેળવી રહેલા બાળકોએ તેમના આંખના સ્વાસ્થ્યની વિશેષ દરકાર લેવી જરૂરી છે તે માટે
આંખો માટે દિવસમાં ૨૦-૨૦-૨૦ કસરતને જીવનનો રોજીંદો ભાગ બનાવવો જોઈએ. નોવેલ કોરોના વાયરસના સંક્રમણની ગંભીરતા અને ભુલકાઓના સ્વાસ્થ્યને ધ્યાને રાખીને શાળાઓના દરવાજાઓ બંધ કરવામાં આવ્યા છે. પરંતુ કોરોનાને કારણે બાળકોનું ભણતર ન બગડે તે માટે રાજ્યભરમાં શાળાઓ દ્વારા ઓનલાઈન એજ્યુકેશન આપવામાં આવી રહ્યું છે. બ્લેક બોર્ડ દ્વારા શિક્ષણ મેળવતી આંખો આજકાલ રોજની ૧-૨ કલાક મોબાઈલ, કોમ્પ્યુટર કે લેપટોપની સ્ક્રીન સામે શિક્ષણ મેળવી રહી છે. ત્યારે બાળકોની આંખોની સ્વસ્થતા માટે દરેક વાલીજનોએ વિશેષ કાળજી લેવી અનિવાર્ય છે.

કોરોનાને કારણે સામાન્ય રીતે વડીલોએ ઘરની બહાર નીકળવાનું ટાળવું જોઈએ. જો કોઈ આંખના પડદા અને મોતીયા જેવી સમસ્યાથી પીડાતા હોય તો ડોક્ટર્સ દ્વારા લખેલા ટીપાઓનો ઉપયોગ શરૂ રાખવો. જો વધુ પડતી તકલીફ થતી હોય તો જ હોસ્પિટલની મુલાકાત લેવી. ખાસ કરીને આંખને જરૂરી વિટામીન્સ પુરા પાડતા ખોરાકનું સેવન કરવું. લીલા શાકભાજીનો ઉપયોગ વધારો અને બને ત્યાં સુધી રાતના ૮ કલાક પછી મોબાઈલનો ઉપયોગ ટાળવો. સાથો સાથ પુરતા પ્રમાણમાં ઉઁઘ લેવી કારણકે ઉંઘ પુરી ન થવાથી પણ સ્વાસ્થ્ય કથળે છે. સ્વાસ્થ્ય કથળતા બિમારીઓ જલ્દીથી શરીર ઉપર હાવી થઈ જાય છે. તેથી રોગ પ્રતિકારક શક્તિ વધે તેનું વિશેષ ધ્યાન રાખીએ.

આંખની તંદુરસ્તી માટે ૨૦:૨૦:૨૦ રેશ્યોની કસરત આંખ માટે ખુબ સારી છે. એટલે કે ૨૦ મિનિટ, ૨૦ સેકન્ડ અને ૨૦ ફુટ. મોબાઈલ કે લેપટોપની સ્ક્રીન પર કામ કરતાં કે એજ્યુકેશન લેતા બાળકોએ દર ૨૦ મિનિટે ૨૦ સેકેન્ડ માટે સ્ક્રીનથી ૨૦ ફુટ દૂર જોવાની કસરત કરવી જોઈએ. જેનાથી બાળકોને સ્ક્રીનમાંથી મળતા રેડીએશનથી રાહત મળશે. તેમજ બાળકોએ થોડી થોડી વારે આંખો પણ પટપટાવી જેથી આંખો સુકાઈ ન જાય.

શરીરને સ્વસ્થ રાખવા માટે શરીરના દરેક અંગોની કાળજી રાખવી આવશ્યક છે. તેથી આજથી કુદરતના દરેક રંગોના દર્શન કરાવતી આંખો માટે દિવસમાં ૨૦-૨૦-૨૦ કસરતને આપણા જીવનનો રોજીંદો ભાગ બનાવીએ. અને આંખોની તંદુરસ્‍તી જાળવીએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *