ગોધરા ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શીશપાલજીએ યોગ કોચ, યોગ પ્રશિક્ષકો અને યોગ સાધકો સાથે યોગસંવાદ કર્યો હતો. ગોધરાના સરદારનગર ખંડમાં સોશિયલ ડિસ્ન્ટન્સિંગની સાવચેતી સાથે એકત્રિત થયેલ યોગસાધકો-પ્રશિક્ષકો સાથે વાર્તાલાપ કરતા શીશપાલજીએ જણાવ્યું હતું કે સમગ્ર વિશ્વને ભરડામાં લેનાર કોરોના મહામારીના સમયમાં યોગની પ્રાસંગિકતા અનેકગણી વધી છે. સાધકની ઈમ્યુનિટી મજબૂત કરવા સહિત વ્યક્તિના સર્વાંગી વિકાસમાં મદદરૂપ થતા યોગના ફાયદા દેશ-દુનિયાના દરેક ખૂણે પહોંચે તે દિશાના પ્રયાસો માત્ર ભારત અને ભારતીય સંસ્કૃતિની જ નહીં પરંતુ સમગ્ર માનવજાતની સેવા ગણાશે. વ્યક્તિના શારીરિક-માનસિક સ્વાસ્થ્યમાં ક્રાંતિકારી ફેરફાર લાવતા યોગની શિક્ષા આપવાને તેમણે તબીબોના કાર્ય જેટલું જ અગત્યનું ગણાવતા આ ઉમદા કાર્યનો ભાગ બનવા બદલ ઉપસ્થિત યોગ કોચ-ટ્રેનર્સને અભિનંદન પાઠવ્યા હતા.
તેમણે યોગ શિક્ષણક્ષેત્રે કાર્ય કરતી વિવિધ સંસ્થાઓ –પતંજલિ, આર્ટ ઓફ લિવિંગ અને લકુલીશ સહિતના યોગ ગુરૂઓને જિલ્લાનો દરેક છેવાડાનો માનવી યોગથી સારી રીતે પરિચીત થાય અને તેને પોતાની જીવનશૈલીનો ભાગ બની નિરોગી બને તે દિશામાં કામ કરવા આગ્રહ કર્યો હતો. દરેક તાલુકાના ૨ યોગ કોચ દ્વારા દર મહિને ૨૦ યોગ ટ્રેનર્સને તૈયાર કરવામાં આવી રહ્યા છે અને આ રીતે એક વર્ષમાં સમગ્ર રાજ્યમાંથી ૫ લાખ યોગ ટ્રેનર્સ તૈયાર કરવામાં આવશે, જે યોગ ક્રાંતિની મશાલ રાજ્યના ખૂણે-ખૂણે પ્રજવલ્લિત કરાશે.
પંચમહાલ જિલ્લા કલેકટર અમિત અરોરાએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે યોગના ફાયદા માત્ર શારીરિક-માનસિક તંદુરસ્તી પૂરતા મર્યાદિત નથી. યોગ સ્વસ્થ જીવનશૈલીનો સંપૂર્ણ માર્ગ છે અને છેલ્લા કેટલાક વર્ષોથી સમગ્ર વિશ્વમાં યોગ વ્યક્તિત્વના સર્વાંગી વિકાસ માટે સ્વીકૃતિ પામ્યો છે ત્યારે આપણે પણ ભારતના વારસા સમાન યોગને જીવનમાં વણી લેવો જોઈએ. કોરોના સારવારમાં પણ પ્રાણાયામ-આસાન અને આયુર્વેદિક ઉપચારો ઘણા અસરકારક સાબિત થયા છે. ભારતીય સંસ્કૃતિની દેન યોગને છેવાડાના માનવી સુધી પહોંચાડવા માટે ગુજરાત રાજય યોગ બોર્ડ દ્વારા દરેક તાલુકામાં ૨ યોગ કોચ તૈયાર કરવામાં આવ્યા છે. આ યોગ કોચ અન્ય યોગ ટ્રેનર્સ તૈયાર કરે અને સ્થાનિક કક્ષાએ યોગ વર્ગો શરૂ કરી યોગજાગૃતિ પ્રસરાવે તે દિશામાં કામગીરી કરવામાં આવી રહી છે.