રિપોર્ટર: મહેન્દ્ર સોલંકી,વડોદરા
શહેરના દાંડિયા બજાર અકોટા બ્રિજ ચાર રસ્તા પર પાણીની લાઈનમાં લીકેજ થતાં રીપેરીંગની કામગીરી હાથ ધરાઈ હતી. દાડિયા બજાર-અકોટા બ્રિજ પાસે આવેલા શનિદેવના મંદિર નજીક પાણીની મુખ્ય લાઈનમાં ભંગાણ પડતાં પીવાલાયક હજારો લિટર પાણી વેડફાઈ ગયું હતું. એટલું જ નહીં, કેટલુંક પાણી ડ્રેનેજ લાઈન સાથે મિશ્વિત થતાં પાણી પુરવઠામાં સોમવારે ગંદું પાણી આવે તેવી શકયતા જોવામાં આવી રહી હતી. કોઠી ચાર રસ્તા પાસે હજુ બે દિવસ અગાઉ પાણીની લાઈનમાં ભંગાણ પડ્યું હતું અને તેની મરામત હજુ પૂરેપૂરી કરવામાં આવી નથી. આ સંજોગોમાં દાંડિયા બજાર અકોટા બ્રિજ પાસે શનિદેવ મંદિર નજીક જ પાણીની ૨૪ ની લાઈનમાં જ ભંગાણ પડતાં પાણીનાં ખાબોચિયાં ભરાયાં હતાં અને તેની બાજુમાં જ આવેલી ડ્રેનેજમાં પણ તેનો ભરાવો થયો હતો. રવિવારે થયેલા પાણી લીકેજના કારણે સદનસીબે પાણીકાપ મૂકાયો ન હતો. જેથી તે વિસ્તારના લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
