રિપોર્ટર: દિવ્યાંગ પટેલ, મહીસાગર
ભોગમય જીવનની જીવનશૈલી બદલી યોગમય તરફ વળવાનો સંદેશો પાઠવતાં યોગ સેવક શીશપાલજી. મહીસાગર જિલ્લામાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આયોજીત યોગમય ગુજરાત અંતર્ગત યોગ સંવાદ કાર્યક્રમ યોજાયો હતો. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આયોજીત યોગમય ગુજરાત અંતર્ગત યોગ બોર્ડના ચેરમેન યોગસેવક શીશપાલજીના અધ્યક્ષ સ્થાને યોગસંવાદ કાર્યક્રમ લુણાવાડા બાવન પાટીદાર સમાજઘર હોલ ખાતે યોજાયો હતો.
એક વર્ષમાં એક લાખ યોગ ટ્રેનરના સંકલ્પના માધ્યમથી રાજ્યના તમામ શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં દરેક શેરી મહોલ્લા, ફળીયા, સોસાયટીમાં ઘર ઘર સુધી યોગને પહોંચાડવાની અભ્યર્થના વ્યક્ત કરી ભોગમય જીવનની જીવન શૈલી બદલી યોગમય બનાવવા તરફ યોગસંવાદ સાધી જનજનને સંદેશ પાઠવ્યો હતો. આ કાર્યક્રમમાં મહીસાગર યોગ ગર્લ તરીકે જાણીતી બનેલી સંતરામપુર નરસિંગપુર પ્રાથમિક શાળાની વિદ્યાર્થીની કુમારી કાજલ રાવતે અદભૂત યોગ નિદર્શન કરી સૌને મંત્રમુગ્ધ કર્યા હતા.
યોગ વિશે વિડિઓ પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું. આ અવસરે જિલ્લા પંચાયત પ્રમુખ મંજુલાબેન ખાંટ, ધારાસભ્ય જીજ્ઞેશભાઈ સેવક, યોગ બોર્ડના સભ્ય ભાનુભાઈ ચૌહાણ, જિલ્લા ભાજપ પ્રમુખ જે.પી.પટેલ, પાલિકા પ્રમુખ બ્રિન્દાબેન શુક્લ, પ્રાંત અધિકારી બ્રિજેશ મોડિયા, જિલ્લા યોગ કોચ સુનિલભાઈ જોશી, શિક્ષણ નિરીક્ષક જયેશભાઇ પટેલ, સંતો, મહંતો, પતંજલિ યુવા પ્રભારી જીગરભાઈ પટેલ સહિત સમિતિના સભ્યો, યોગ ટ્રેનર્સ, નાગરિકો કોવિડ ગાઈડલાઈનને અનુસરી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન વ્યવસ્થા જિલ્લા યોગ કોચ સુનિલભાઈ જોશી તથા યોગટ્રેનરો અને સ્વામી વિવેકાનંદ યુવા બોર્ડ મહીસાગર દ્વારા કરવામાં આવ્યુ હતું.