કોરોના કાળ દરમિયાન સૌથી વધુ મુશ્કેલી ગરીબ અને મધ્યમ વર્ગના લોકો પડી છે. લોકડાઉન સમયે સરકાર દ્વારા આ પ્રકારના પરિવારોને મફતમાં અનાજ પુરુ પાડવામાં આવ્યું હતું. ત્યારે હવે ફરી રાજ્યના વધુ ૧૦ લાખ પરિવારોને ફૂડ સિક્યુરિટી એક્ટ અંતર્ગત રાહત દરે અનાજ આપવાનો નિર્ણય લેવાયો છે. રાજ્યના મુખ્યમંત્રીએ આ પરિવારોને પુરતુ અનાજ મળી રહે તે માટે આ મહત્વપૂર્ણ જાહેરાત કરી છે.
શહેરો અને ગામોમાં વસતા રિક્ષાચાલકો, છકડો, મીની ટેમ્પો ચલાવનારા આવા રોજનું કમાઈને રોજ ખાનારા વાહન ચાલકોને પણ રાહત દરે અનાજ વિતરણમાં આવરી લેવાનો મુખ્યમંત્રીનો સંવેદના સ્પર્શી અભિગમ બાંધકામ શ્રમિક કલ્યાણ બોર્ડના નોંધાયેલા બાંધકામ શ્રમિકોને એન.એફ.એસ.એ લાભ આપી રાહત દરે અનાજ વિતરણ થશે. આ યોજનાની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરી સત્વરે લાભાર્થીઓને અનાજ વિતરણનો લાભ આપવા મુખ્યમંત્રીની સ્પષ્ટ સૂચના છે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીના આ સંવેદનશીલ નિર્ણયથી ૫૦ લાખ જેટલાં ગરીબ-સામાન્ય વર્ગના લોકોને લાભ થશે. હવે એન.એફ.એસ.એ ના મળવાપાત્ર તમામ લાભો આ વધુ ૧૦ લાખ પરિવારને પણ મળશે. રાજ્યના તમામ દિવ્યાંગ, ગંગા સ્વરૂપા બહેનો, વદ્ધ પેન્શન સહાય યોજનાના લાભાર્થીઓને પણ આ અનાજ વિતરણનો લાભ અપાશે. એન.એફ.એસ.એ માં સમાવિષ્ટ ન હોય તેવા બી.પી.એલ ધારક પરિવારોને પણ હવે ફૂડ સિક્યોરિટી એક્ટ અંતર્ગત લાભ મળશે.