વડોદરાના યુવકે લગ્નની લાલચ આપી તેની જ સાથે કંપનીમાં કામ કરતી યુવતી સાથે ૨ વર્ષ સુધી અવારનવાર દુષ્કર્મ આચર્યું.
વડોદરા શહેરની યુવતી અને વડોદરાના જ વાસણા-ભાયલી રોડ પર ૧૦૩, ડિવાઇન હાર્મની સોસાયટીમાં રહેતો યુવાન અલકાપુરી વિસ્તારમાં આવેલી ખાનગી કંપનીમાં કામ કરતા હતા. આ દરમિયાન યુવતી અને યુવક વચ્ચે મિત્રતા થઇ હતી. બંને વચ્ચે મિત્રતા પ્રેમમાં પરિણમી હતી. ત્યારબાદ યુવકે યુવતીને લગ્ન કરવાની લાલચ આપીને તેના ઘરમાં રાખી હતી અને ૨ મે, ૨૦૧૮ થી લઇને ૧૩ સપ્ટેમ્બર, ૨૦૨૦ દરમિયાન યુવતી સાથે અવારનવાર શારીરિક સંબંધો બાંધીને દુષ્કર્મ આચર્યુ હતું.
યુવતીએ આપેલી ફરિયાદમાં તેણે જણાવ્યું છે કે, હું અને યુવક અલ્કાપુરીની એક કંપનીમાં સાથે નોકરી કરતા હતા. અમે બંને બે વર્ષથી એક બીજાને ઓળખીએ છીએ. તે સમયે અમે બંને મિત્રો હતા. હું પરિણિત હતી. મારા પતિ પાસેથી યુવકે છુટાછેડા લેવડાવ્યા હતા અને મને મોટા મોટા સપનાઓ બતાવીને અમારા સુખી લગ્ન જીવનને તોડાવી નાખ્યુ હતું. મને આરોપીના કાકીના ઘરે માંજલપુર ભાડાના મકાનમાં આઠ મહિના રાખી હતી. યુવકના ઘરના લોકોને અમારી મિત્રતાની જાણ થતાં બોલાચાલી થઇ હતી. તેમ છતાં યુવકે મને ભગાડીને ૨૪ એપ્રિલ, ૨૦૧૮ ના રોજ ગોવા લઇ ગયો હતો. મે લગ્ન બાબતે પૂછતા તેણે જણાવ્યું હતું કે, હાલ આપણે કોઇ ખરાબ સંબંધ બાંધીશું નહીં, પહેલા વડોદરા જઇને લગ્ન કરીશું, હું મારા માતા-પિતાનો એકનો એક પુત્ર છું, હું કહીશ તે જ ઘરમાં થશે એજ પ્રમાણે તેના માતા-પિતાએ અમને સ્વીકારી લીધા હતા અને ઘરે બોલાવી લીધા હતા. યુવકના ઘરે ગયા બાદ મારૂ નામ પણ બદલી નાખ્યુ હતું. મે લગ્નની વાત કરતા તેણે થોડો સમય માંગ્યો હતો અને કહ્યું હતું કે, તું અમારા ઘરની વહુ થઇને આવી છે તો લગ્ન તો થઇ જ જવાના છે. જેથી મે તેના પર વિશ્વાસ મૂક્યો હતો.યુવકે મારી સાથે શારીરીક સંબંધ બાંધવાની વાત કરતા મે કહ્યું હતું કે, તું લગ્ન બાદ સંબંધ બાંધવાનું કહેતો હતો, ત્યારે તેણે કહ્યું હતું કે, લગ્ન તો સમજ થઇ જ ગયા છે. ખાલી વિધિ કરવાની બાકી છે, તેમ છતાં અમે વારંવાર ના પાડવા છતાં યુવકે મારી સાથે બળજબરીથી શારીરિક સંબંધ બાંધ્યા હતા. મે વારંવાર લગ્ન બાબતે પૂછતા યુવક યોગ્ય જવાબ આપતો નહોતો અને મારી મરજી વિરૂદ્ધ બળાત્કાર કરતો હતો. મે ઘરની સંપૂર્ણ જવાબદારી નિભાવતા ઘરનું કામકાજ કરતી અને મારો ૨૫ હજાર રૂપિયા પગાર પણ તેને આપી દેતી હતી. તેની નોકરી છૂટી જતા ઘરના ઇએમઆઇ પણ મારા પગારમાંથી ભરતા અને ઘર ચલાવતા હતા. મે મારી જિંદગીમાં કમાયેલી તમામ આવક તેની પાછળ વાપરી નાખી છે. ૧૩ સપ્ટેમ્બર, ૨૦૨૦ના રોજ મને જાણવા મળ્યું હતું કે, અમારી સાથે નોકરી કરતી યુવતી સાથે યુવકે પ્રેમ સંબંધ બાંધ્યા છે અને તેની સાથે લગ્ન કરવા માંગે છે. જેથી મે આ બાબતે યુવકને પૂછ્યું તો તેને કહ્યું હતું કે, હું યુવતીને છોડવાનો નથી. તારે રહેવુ હોય તો રહે, જવુ હોય તો જા. મે ક્યાં તારી સાથે લગ્ન કર્યાં છે? આ બાબતે અમારા બંને વચ્ચે રોજ તકરાર થતી હતી, તે મારી સાથે વાત કરતો નહીં, ત્યારબાદ ૨૦ સપ્ટમ્બરના રોજ મને તમામ સામાન સાથે યુવકે ઘરમાંથી બહાર ફેંકી દીધી હતી. અને જાનથી મારી નાખવાની પણ ધમકી આપી હતી. જેથી હું ખુબ જ ગભરાઇ ગઇ હતી. જેથી આ મામલે યુવક સામે વડોદરા તાલુકા પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધીને આરોપીની શોધખોળ શરૂ કરી છે.પોલીસે આરોપી યુવાન સામે ગુનો નોંધીને તેની શોધખોળ હાથ ધરી છે. તાલુકા પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ આર.કે. રાઠવા આ કેસની તપાસ કરી રહ્યા છે.
