રિપોર્ટર: રાકેશ મકવાણા,ખેડા
ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર ખાતે શાકભાજીના ફેરીયાઓને જૂની જગ્યાએ વેપાર કરવા દેવાની માંગ સાથે આજરોજ કલેકટરને સંબોધીને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. આવેદનપત્ર માં જણાવ્યા મુજબ પુરસોત્તમ ભુવન વાળા માર્ગની બાજુમાં સિત્તેર માણસો બિન અડચણ રૂપ જગ્યા ઉપર છેલ્લા ૧૦ વર્ષ થી વેપાર કરી પોતાના કુટુંબનું ગુજરાન ચલાવતા હતા. જે જગ્યા ઉપર કોઈપણ પ્રકારે અડચણ રૂપ બનતા નથી તેમ છતાં ડાકોર નગરપાલિકા ના સત્તાધીશો દ્વારા અવારનવાર હેરાન કરવામાં આવી રહ્યા છે. હાલ નગરપાલિકા દ્વારા વિજયા ભુવનની પાછળ ધરોડ ઉપર નવી જગ્યાની ફાળવણી કરવામાં આવી છે. જે જગ્યા ખુબ ઓછી વસ્તી ધરાવતો વિસ્તાર છે જ્યાં ઘરાકી મળતી નથી અને સરવાળે મંદી જેવો માહોલ ઉભો થયો છે. આમ વિગતવાર માહિતી આપ્યા બાદ પોતાની જૂની જગ્યાએ ફરી થી વેપાર રોજગાર શરૂ કરવાની માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.