રિપોર્ટર:અંકુર ઋષી,રાજપીપળા
રાજપીપળા ખાતેની રાજરોક્ષી ટોકિઝ પાસે યુવાનનું પાકીટ પડી ગયું હતું જે ટ્રાફિક બ્રિગેડના જવાનને મળ્યું હતું. જેમને પ્રમાણિકતા નો પરિચય આપતા તે યુવાનને પાકીટ પરત કર્યું હતું.
રાજપીપળા નગરમા ટ્રાફિક પોઇન્ટ ઉપર ફરજ માટે તૈનાત કરવામાં આવેલા ટ્રાફિક બ્રિગેડના જવાનની ઇમાનદારીનો કિસ્સો પ્રકાશમા આવ્યો છે. રાજરોક્ષી ટોકિઝ પાસે થી પસાર થતા યુવાનનું પાકીટ માર્ગ ઉપર પડી જતા તેને પરત કરી ઇમાનદારીની ઉમદા મિસાલ પુરી પાડી હતી.
રાજપીપળા નગરમાં રાતદિવસ ધમધમતા રહેતા રાજરોક્ષી ટોકિઝ પાસેના ચાર રસ્તે ટ્રાફીક બ્રિગેડના જવાનો વાસુદેવભાઈ માછી અને ભદ્રેશ વસાવા પોતાની ફરજ ઉપર તૈનાત હતા ત્યારે એક મોટરસાઈકલ પર પસાર થતા ચાલક ના ખિસ્સામાંથી હજારો રુપિયા ભરેલું અને બેંકના ક્રેડીટ કાર્ડ સહિતના અન્ય જરૂરી ડોકયુમેન્ટ વાળુ પાકીટ રસ્તા ઉપર પડી ગયુ હતુ. જે પાકીટ પર ટ્રાફિક બ્રિગેડ ના જવાનની નજર પડતા તેણે આ પાકીટ રસ્તા માંથી ઉઠાવી તેની તપાસ કરતાં તેમા રૂપિયા સહિત બેંકના એ ટી એમ કાર્ડ સહિતના ડોકયુમેન્ટ મળી આવ્યા હતા.
ટ્રાફિક બ્રિગેડના જવાને આ પાકીટના માલિકની શોધખોળ શરૂ કરી હતી ત્યારે કલાક રહીને પોતાના ખોવાયેલા પાકીટની શોધખોળમાં માલિક ત્યાં આવ્યો હતો. તેને ટ્રાફિક બ્રિગેડ ના જવાન ને પુછતા તેણે પાકીટ ના ખરા માલિક છે કે નહિ? તેની પુછતાછ હાથ ધરી હતી. ચોખવટ ચકાસણી બાદ પાકીટ યુવાનનુ જ હોવાનું માલુમ પડતાં તેને પાકીટ પરત કરી રાજપીપળા ટ્રાફિક બ્રિગેડના જવાનોએ ઇમાનદારીનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પુરુ પાડયું હતું.