બ્યુરોચીફ: રાકેશ મકવાણા,ખેડા
રજી ઓક્ટોબર મહાત્મા ગાંધીજીનો જન્મ દિવસ રાષ્ટ્રીય સ્વછતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ગાંધીજી કહેતા સ્વચ્છતા વગર સ્વતંત્ર્યતા મળે તો એ સ્વતંત્ર્યતા અધૂરી હશે. આજના કોરોના મહામારીમાં હેન્ડવોશ અને સ્વચ્છતા આપણી આદત બને એ જરૂરી છે. હાથ ધોઇને જમવાથી શરીરના અડધા રોગો થતા અટકાવી શકાય છે. તેમ નડીઆદ ખાતે રાષ્ટ્રીય સ્વચ્છતા દિવસ નિમિત્તે યોજાયેલ હેન્ડવોશ તથા માતા યશોદા એવોર્ડ એનાયત કાર્યક્રમમાં અધ્યક્ષસ્થાનેથી ઉદબોધન કરતાં ખેડા જિલ્લાના સાંસદશ્રી દેવુસિંહ ચૌહાણએ જણાવ્યું હતું. બાળકો અને સગર્ભા અને ધાત્રી માતાઓને પોષણક્ષમ આહાર મળે તે અત્યંત જરૂરી છે તેમ તેઓ ઉમેર્યુ હતું. પ્રાસંગિક ઉદબોધન કરતાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી નયનાબેન પટેલએ જણાવ્યું કે જિલ્લામાં ૧૯૭૯ આંગણવાડી કેન્દ્રોમાં પાંચ વર્ષના સુધીના ૧,૬૬,૩૧૮ બાળકો, ૧૪,૯૫૫ સગર્ભા માતાઓ અને ૧૭,૨૫૯ ધાત્રી માતાઓને પોષણક્ષમ આહાર આપવામાં આવે છે. ૨૦૨૨ સુધીમાં તમામ બાળકોને કુપોષણમાંથી બહાર લાવવાનો રાજ્ય સરકારનો ધ્યેય છે. જિલ્લા કલેકટરશ્રી આઇ.કે.પટેલએ ઉપસ્થિત બહેનો અને કિશોરીઓને જિલ્લાને કુપોષણ મુકત, સ્વસ્થ અને સશક્ત કરવા પોષણ શપથ લેવડાવ્યા હતા. આ પ્રસંગે આંગણવાડીના લાભાર્થીઓને હેન્ડવોશિંગ કરાવી હેન્ડવોશિંગ કીટ અને સહભાગી પ્રમાણપત્ર એનાયત કરાયા હતા. જિલ્લામાં આંગણવાડી કેન્દ્રોમાં માનદ્ સેવા આપતા જિલ્લાના શ્રેષ્ઠ આંગણવાડી કાર્યકર અને તેડાગરને મહાનુભાવોના હસ્તે માતા યશોદા એવોર્ડ એનાયત કરી સન્માનીત કરાયા હતા. કાર્યક્રમની શરૂઆતમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.એસ.ગઢવીએ સ્વાગત પ્રવચન કર્યુ હતું. અંતમાં આભારવિધિ આશાબહેને કરી હતી. આ કાર્યક્રમાં પ્રાંત અધિકારી, નાયબ જિલ્લા વિકાસ અધિકારી, આંગણવાડી કાર્યકરો, મહિલાઓ અને કિશોરીઓ ઉપસ્થિત રહ્યા હતા.