રિપોર્ટર: વિજય બચ્ચાની,દાહોદ
દાહોદના પત્રકાર કોરોના સામે લડત આપીને સ્વસ્થ થયા છે. તેમણે દસ દિવસ સુધી દાહોદની ઝાયડસ હોસ્પીટલમાં સારવાર મેળવી અને ત્યાર બાદ હોમ કવોરન્ટાઇનનો સમય પૂરો કરીને અત્યારે ફરીથી કામગીરી શરૂ કરી છે. તેઓ જણાવે છે કે, કોરોના સામે રોગપ્રતિકારક શક્તિ ખૂબ મહત્વની છે. પોતાના રોજિંદા જીવનમાં ઇમ્યુનિટી વધારે તેવા ખોરાક અને પીણાં લેવા જોઇએ. ઇમ્યુનિટી પાવર હશે તો કોરોના જીવલેણ થતો નથી અને વ્યક્તિ જલ્દીથી સ્વસ્થ થાય છે. કોરોનાથી ડરવાને સ્થાને રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરો. સાવચેતી એ જ કોરોના સંક્રમણ સામે સલામતી આપશે. દાહોદમાં કોરોનાના કેસો નિયંત્રણમાં રહે તે જરૂરી છે. એ માટે બિનજરૂરી બહાર જવાનું ટાળો અને બહાર જવું જ પડે તો માસ્ક, સેનિટાઇઝર, ગ્લોવ્સનો ઉપયોગ અવશ્ય કરો. ઉપરાંત સામાજિક અંતર હંમેશા જાળવી રાખો. આ સાવચેતીઓ તમને કોરોના સંક્રમણથી દૂર રાખશે. સૌથી સારી બાબત તો એ રહેશે કે તમે ઘરે જ પરિવાર સાથે સમય વિતાવો. જેથી તમારો અને તમારા પરિવારજનોનો કોરોના સંક્રમણથી બચાવ થશે. કોરોનાના કોઇ પણ લક્ષણ જણાય જેવા કે શરદી-ખાંસી-તાવ તો ઘરે બેસી રહેવું સહેજ પણ હિતાવહ નથી. આમ કરવાથી કોરોના વધતો જશે અને સંબધીઓ-મિત્રોને પણ સંક્રમણ લાગશે. આવા લક્ષણ જણાય તો તુરત જ સરકારી દવાખાનાનો સંપર્ક સાધીને કોરોના ટેસ્ટ કરાવવો જોઇએ અને જરૂરી સારવાર મેળવવી જોઇએ.