બ્યુરોચીફ: અંકુર ઋષી,રાજપીપળા
નર્મદા જિલ્લો ભરૂચ જિલ્લામાંથી અલગ થયા ને ૨૩ વર્ષ વીત્યા છતાં હજુ પછાત જિલ્લાઓમાં જ સ્થાન : વિકાસ… વિકાસ… વિકાસ… પણ ક્યારે..??
સરકારે ફક્ત વોટ બેંક ઉભી કરવા જિલ્લો અલગ કરી પાંચ તાલુકાઓ પણ પાડ્યા છતાં જિલ્લામાં ફ્રુડ એન્ડ ડ્રગ સહિત ની કેટલીક કચેરીઓ કાર્યરત નથી થઈ.
ઉદ્યોગ વેપારથી ધમધમતા સુરત અને વડોદરા ની વચ્ચે આવેલા ભરૂચ જિલ્લાનો આદિવાસી બહુલ વસ્તીના પ્રદેશને ૨,ઓક્ટોબર ૧૯૯૭ ને ગાંધી જ્યંતીના દિવસે તત્કાલીન મુખ્યમંત્રી શંકર સિંહ વાઘેલાએ નર્મદા જિલ્લા તરીકે માન્યતા આપતા અને આ વિસ્તાર માંથી પસાર થતી નર્મદા નદીના નામથી જિલ્લાનું નર્મદા નામ જાહેર થતા ૨ ઓક્ટોબર ૧૯૯૭ થી એટલે કે ૨૩ વર્ષ થી નર્મદા પોતે અલગ જિલ્લો ગુજરાતના નકશા પર છે છતાં પણ જિલ્લા નો વિકાસ અધૂરો છે અને ત્યારથી આ જિલ્લો વિકાસ ઝંખે છે.
નર્મદા જિલ્લામાં દર વર્ષે વિકાસના નામે કરોડો રૂપિયાની ગ્રાન્ટ આવે છે. ટ્રાઇબલ સબ પ્લાનની ગ્રાન્ટ, આયોજન મંડળની ગ્રાન્ટ, એમ પી / એમ એલ એ ની ગ્રાન્ટ, વિકાસશીલ તાલુકાની ગ્રાન્ટ, ગ્રામવિકાસની ગ્રાન્ટના નામે જિલ્લામાં કરોડો રૂપિયા દર વર્ષે ઠલવાય છે, છતાં હજુ પણ જિલ્લો વિકાસ થી વંચિત છે જિલ્લા ની સ્થાપના બાદ પણ જિલ્લો શૈક્ષણિક ક્ષેત્રે પછાત છે. જિલ્લામાં એન્જિનિરીંગ, મેડિકલ કે અન્ય ટેક્નિકેલ શિક્ષણનો અભાવ છે. જિલ્લામાં કોઈ સારી મલ્ટી સ્પેશિયલ હોસ્પિટલ નથી. ઉપરાંત, એક માત્ર સિવિલ હોસ્પિટલ જિલ્લાનું વડુમથક રાજપીપળા ખાતે કાર્યરત છે, પરંતુ અહીંયા યોગ્ય સુવિધાઓનો અભાવ અને તબીબોની ઘટ ના કારણે દર્દીઓને વડોદરા રીફર કરવા પડે છે રોજગારી ના અભાવે ગ્રામ્ય વિસ્તારોમાં રોજી અર્થે લોકો અન્ય જિલ્લામાં હિજરત કરે છે.
દુનિયા જ્યારે 5G ની હરોડ માં છે ત્યારે ભારત દેશ ના ગુજરાત રાજ્ય માં નર્મદા જિલ્લામાં સાગબારા, ડેડીયાપાડા તાલુકાઓના કેટલાય ગામોમાં નેટવર્ક સુવિધા નથી. ત્યારે વડાપ્રધાનના ડિજિટલ ઇન્ડિયા નું સ્વપ્નું કઈ રીતે સાકાર થશે ? અંતરિયાળ વિસ્તારોમાં સગર્ભઓ ને હજુપણ ઝોળી બનાવી મુખ્ય ગામો સુધી લઈ જવી પડે છે ઉપરાંત ચોમાસામાં કેટલાય ગામડાઓ મુખ્ય શહેરોથી સંપર્ક વિહોણા રહે છે. કરોડો રૂપિયા નો પ્રોજેક્ટ વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી અને તેની આસપાસ ના આકર્ષણો ઉભા થયા પરંતુ સ્થાનિકોમાં હજુ પણ અસંતોષ છે.
નર્મદા અને કરજણ ડેમ જેવી મોટી સિંચાઈ યોજનાઓ છે. પણ કેનાલ વ્યવસ્થાના ધાંધિયા હોવાથી ઘણા વિસ્તારોમાં ખેડૂતોના ખેતર સિંચાઈ માટે તરસ્યા છે, ત્યારે કોઈ પણ જિલ્લાના સ્થાપના બાદ ૨૩ વર્ષ વિકાસ માટે પૂરતા છે ત્યારે નર્મદા જિલ્લાનો પણ સર્વાંગી વિકાસ થાય તે માટે સરકારે ધ્યાન આપી એકશન પ્લાન બનાવી નર્મદા જિલ્લા ને અન્ય વિકસિત જિલ્લાની હરોળમાં સ્થાન આપવું જોઈએ તેવી જિલ્લાવાસીઓની લાગણી છે
નર્મદા જિલ્લાને શિક્ષણ, આરોગ્ય તેમજ પ્રાથમિક સુવિધાઓ તેમજ માળખાકીય સુવિધાઓ જ્યારે સંપૂર્ણ ગુણવત્તાયુક્ત ઉપલબ્ધ થશે ત્યારે જ ખરા અર્થ માં નર્મદા જિલ્લાનો વિકાસ થયો ગણાશે.માત્ર વિકાસ ની વાતો કરવાથી કોઈ જિલ્લાનો વિકાસ થતો નથી.