રિપોર્ટર: નિમેષ સોની,ડભોઇ
ડભોઇન નજીકના ટીંબી ગામે સવારના ૧૧ વાગે ૩ ગઠીયાઓ બજાજ પલ્સર મોટર સાયકલ પર બેસી આવ્યા હતા. ગામની ભાગોળે મોટર સાયકલ મુકી ગામમાં તાંબા પિત્તળ ના વાસણ અને સોના-ચાંદીના દાગીના ચમકાવી આપવાનુ જણાવી ટીંબી ગામમા રહેતા તૃપ્તીબેન ઉમેશભાઇ પટેલ ઉ.વ.૩૩ ના ઘેર જઈ પ્રથમ પિત્તળનો લોટો વિમ્સ લીકવીડ નામના પ્રવાહીથી ચમકાવી આપી પટેલ પરિવારની મહિલાઓ નો વિશ્વાસ કેળવ્યો હતો. ત્યારબાદ તૃપ્તીબેને પહેરેલ સોનાની ચેઇન, તેઓની સાસુએ પહેરેલ સોનાની ચેઇન તેમજ મોટા સાસુએ પહેરેલ સોનાની ચેઇન અને એક જોડ સોનાની બંગડીઓ મળી કુલ ૭ તોલા સોનુ કિ.રુ. ૩,૧૫,૦૦૦ ના દાગીના પ્રેસર કુકરમા મુકાવી તેમા પાણી અને હળદળ નાખી દશ મીનીટ બાદ ખોલવાનુ જણાવી ફરાર થઈ ગયા હતા. ગઠીયાઓના ગયા બાદ કુકર ખોલી જોતા તેમા માત્ર હળદળ વાળુ પાણી જ જણાયુ હતું અને દાગીના જોવા મળ્યા ન હતા.જેથી આ ત્રણેય ગઠીયાઓની શોધખોળ હાથ ધરતા તેઓ ફરાર થઈ ગયેલું માલુમ પડતા બનાવની ડભોઇ પોલીસને ફરીયાદ આપતા પોલીસે ૩ અજાણ્યા ગઠીયાઓ વિરુદ્ધ ગુન્હો નોધી તપાસ હાથ ધરી છે. ડભોઇ પંથકમા ઘરફોડ ચોરી, ચીલઝડપ, વાહનોની ચોરીઓ બાદ હવે દાગીના સેરવી જતા ગઠીયાઓ સક્રિય થતા તેમજ ગુન્હા ડીટેક્ટ ન થતા લોકોમા ચિંતા વ્યાપી જવા પામી છે. આવા પ્રકારનો એકનો એક કિમીયો અજમાવી લોકોને છેતરતા ગઠિયાઓ થી નાગરિકોએ જાગૃત થવાની અને પોતાના ગામ કે ફળિયામાં આવતા આવા અજાણ્યા ફેરિયાઓ કે ઈસમો થી સાવચેત બનાવવાની જરૂરિયાત હોવાનું અને આ બાબતે લોકોએ જાગૃત થવાની તાતી જરૂરિયાત હોવાનું જણાઈ આવે છે અને પોલીસ તંત્ર પણ આવા લેભાગુ તત્વો સામે તત્કાળ તપાસ હાથ ધરે અને ગુનેગારોને સત્વરે ઝડપી પાડે એ હાલના સમયની માંગ હોવાનું જણાય છે.