રિપોર્ટર: દિવ્યાંગ પટેલ,મહીસાગર
આરોગ્ય વિભાગ દ્વારા ૨૩ ટીમ બનાવી સમગ્ર લુણાવાડા શહેરમાં ફીવર સર્વેલન્સ કામગીરી હાથ ધરાઇ
મહીસાગર જિલ્લામથક લુણાવાડા શહેર ડેન્ગ્યુના ભરડામાં આવી ગયું છે.કોરોનાના કહેર વચ્ચે લોકોમાં ડેન્ગ્યુનો ડર વધી રહ્યો છે.લુણાવાડામાં ડેન્ગ્યુના કેસ વધતાં જિલ્લા આરોગ્ય વિભાગ હરકતમાં આવી ગયું છે અને જિલ્લા આરોગ્ય વિભાગના માર્ગદર્શન હેઠળ લુણાવાડા અર્બન હેલ્થ વિભાગ દ્વારા આરોગ્યની વિવિધ વિસ્તારોમા ટીમો બનાવી સમગ્ર શહેરમાં પોરા નાશક કામગીરી તેમજ ફીવર સર્વેલન્સ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
આરોગ્ય વિભાગના જણાવ્યા પ્રમાણે સમગ્ર લુણાવાડા શહેરમાં ૨૬ ડેન્ગ્યુ કેશ સામે આવતા મહીસાગર જિલ્લા આરોગ્ય વિભાગ હરકતમાં આવી ગયું છે અને આરોગ્ય વિભાગ દ્વારા ૨૩ આરોગ્યની ટિમ બનાવી સમગ્ર લુણાવાડા શહેરમાં સઘન કામગીરી કરી રહી છે. આરોગ્ય ટિમ સમગ્ર શહેરના રહેણાંક વિસ્તરોમાં જઈ ને જ્યાં પાણીના ખાબોચિયા ભરાયા હોય ત્યાં ઓઇલ નાખવામાં આવે છે તેમજ ઘરની બહાર મુકેલા ખુલ્લા પાત્રોમાં ભરવામાં આવેલ પાણીના વાસણો ખાલી કરી દેવામાં આવે છે જેથી ડેન્ગ્યુના મચ્છરનો ઉપદ્રવ થાય નહીં તેમજ ઘરની બહાર મુકેલ પાણીની ટાંકીમાં પોરનાશક દવા નાખવામાં આવી રહી છે. આરોગ્ય ટિમ ઘરે ઘરે ફરી ડેન્ગ્યુ થી બચવા માટે કઈ પ્રકારની તકેદારી રાખવી તેની સમજ શહેરીજનોને આપવામાં આવી રહી છે અને તે માટે પત્રિકાઓનું વિતરણ પણ ઘરે ઘરે કરવામાં આવી રહ્યું છે માઇક પર એલાઉંસિંગ કરવામાં આવી રહ્યું છે અને આ આરોગ્ય ટિમ દ્વારા ફીવર સર્વેલન્સની કામગીરી પણ કરવામાં આવી રહી છે અને લોહીના નમૂના લઈ આરોગ્યની ચકાસણી પણ કરવામાં આવી રહી છે જેથી ડેન્ગ્યુને વધતો અટકાવી શકાય સમગ્ર કામગીરી ની સમીક્ષા કરવા આરોગ્ય વિભાગના જિલ્લાના અધિક આરોગ્ય અધિકારી બીરેન્દ્રસિંહ તેમજ લુણાવાડા અર્બન હેલ્થ સેન્ટરના મેડીકલ ઓફિસર કલ્પેશ સુથાર પણ આરોગ્ય વિભાગની ટિમ સાથે જઈ ઘરે ઘરે જઈ થઈ રહેલી કામગીરીની સમીક્ષા કરી જરૂરી માર્ગદર્શન આપી રહ્યા છે.