રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા
આગામી નવેમ્બર/ડિસેમ્બર ૨૦૨૦ માં ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવી રહી છે.જે-તે જિલ્લાના તંત્ર દ્વારા આ મામલે તૈયારીઓ પણ આરંભી દેવાઈ છે. નર્મદા જિલ્લાની કોંગ્રેસ શાસિત ૧૮ સભ્યો વાળી નાંદોદ તાલુકા પંચાયતની છેલ્લી સામાન્ય સભા ગત ૨૯/૦૯/૨૦૨૦ ના રોજ મળી હતી. જેમાં કોંગ્રેસના ૮ અને ભાજપના ૩ સભ્યો હાજર રહ્યા હતા. કોંગ્રેસ દ્વારા રજૂ કરાયેલા વિવિધ વિકાસ ના કામો બાબતે વિપક્ષના નેતા દિવ્યેશ વસાવાએ વિરોધ નોંધાવતા બેઠક તોફાની બની હતી.નાંદોદ તાલુકા પંચાયતના વિપક્ષ નેતા દિવ્યેશ વસાવાએ કોંગ્રેસ અને અધિકારીઓ પર ગંભીર આક્ષેપો લગાવતા ખળભળાટ મચ્યો છે.
નાંદોદ તાલુકા પંચાયતના વિપક્ષ નેતા દિવ્યેશ વસાવાએ જણાવ્યું હતું કે, પ્રમુખ સ્થાનેથી નાંદોદ તાલુકામાં વિવિધ યોજનાઓ માંથી એ.ટી.વી.ટી, ગુજરાત પેટર્ન, આયોજન મંડળ સહિત પીવાના પાણીના સુવિધાના કામો ગ્રામ પંચાયતની જગ્યાએ તાલુકા પંચાયત દ્વારા ટેન્ડર પ્રક્રિયા હાથ ધરી સીધી જ એજન્સી નક્કી કરવા માટે મુસદ્દો રજૂ કરવામાં આવ્યો હતો, જેેેનો અમે વિરોધ નોંધાવ્યો હતો.પોતાના મળતિયાઓને સીધો લાભ કરાવ પોતાનો સ્વાર્થ સિદ્ધ કરવા માટે તાલુકા પંચાયતના સત્તાધીશો દ્વારા મનમાની ચલાવી આ ઠરાવ કરાયો છે. પીવાના પાણીની સુવિધાના વિકાસના કામો ગ્રામ પંચાયતને જ ફાળવવા જોઈએ.પાંચ લાખ રૂપિયા સુધીના વિકાસના કામો વિના ટેન્ડરે સબંધીત ગ્રામ પંચાયત દ્વારા કરાવવા જોગવાઈ થયેલ છે.દર વર્ષની જેમ આ વર્ષે પણ ગ્રામ પંચાયતોને જ વર્ક ઓર્ડર આપવા ૦૧/૦૯/૨૦૨૦ ના રોજ નાંદોદ ટી.ડી.ઓ ને લેખિત રજુઆત કરી હતી.તેમ છતાં નાંદોદ તાલુકા પંચાયતના કોંગ્રેસી સત્તાધીશો દ્વારા ટી.ડી.ઓ પર ટેન્ડરિંગ કરવા માટે રાજકીય દબાણ કરવામાં આવે છે.
આ ગ્રામ પંચાયતોને પંચાયત ધારા મુજબ મળેલા અધિકારો પર તરાપ મારવા સમાન છે.નાંદોદ તાલુકા પંચાયતના સત્તાધીશો દ્વારા પંચાયત ધારા દ્વારા મળેલા અધિકારો અને લોકશાહીનું ગળુ દબાવવા નો પ્રયાસ થયો છે.અમે આગામી દિવસોમાં ગ્રામ પંચાયતોના અમારા અધિકારો સરપંચોના હિતોના રક્ષણ માટે અને પંચાયતી રાજની ગરિમાને તેમજ લોકશાહીને જીવંત રાખવા કાયદાકીય રીતે નિયમ મુજબ આગળની કાર્યવાહી કરીશું.