રિપોર્ટર: દિવ્યાંગ પટેલ,મહીસાગર
લુણાવાડા તાલુકાના નાના સોનેલા ગામના અને દાહોદ જિલ્લામાં ફરજ બજાવતાં શિક્ષકના પતિ, પત્ની ઔર વોના કિસ્સાએ ચકચાર જગાવી છે. બીજી સ્ત્રીને પત્ની તરીકે અને તેના સંતાનને ઘરમાં રાખવા પરણીતાને મારઝૂડ કરી કાઢી મૂકતા લુણાવાડા મહિલા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.
પ્રાપ્ત વિગતો અનુસાર લુણાવાડા તાલુકાના નાના સોનેલા ગામના મનહરભાઈ જોશીની દીકરી ફરિયાદી વિલાસબેનના લગ્ન ૧૬ વર્ષ અગાઉ સમાજના રીતિ રિવાજ મુજબ ગામના જ લલિતકુમાર શાંતિલાલ ઠાકોર સાથે થયા હતા. શરૂઆતના સુખી સંસારમાં બે દીકરાનો જન્મ થયો હતો. દાહોદ જીલ્લામાં સુખસર પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે નોકરી મળતાં લલિત ઠાકોરને સાથે મારુતિવાનમાં અપડાઉન કરતાં કૃષિ શાળા સુખસરમાં શિક્ષકા તરીકે નોકરી કરવા જતાં નિર્મળા અર્જુનભાઈ વાગડીયા સાથે અનૈતિક સંબંધ થયા હતા. છેલ્લા છ વર્ષમાં વિલાસબેનને અવારનવાર આ અનૈતિક સંબંધના કારણે મારઝૂડ અને શારીરિક માનસિક ત્રાસ પતિ આપતો હતો. પ્રેમિકા સાથે સ્વછંદી જીવન જીવવા ગોધરા મકાન ભાડે રાખી રહ્યા બાદ લુણાવાડા શ્રીજી પાર્ક સોસાયટીમાં રહેવા આવ્યા હતા. પતિને આ અનૈતિક સબંધથી એક દીકરો છે તેની જાણ થતાં વિલાસબેન પર ત્રાસ અને મારઝૂડ વધી હતી. ત્રણ દિવસ અગાઉ ફરીયાદી વિલાસબેનને તું ઘરમાંથી નીકળી જા અને મારે નિર્મળાને બીજી પત્ની તરીકે ઘરમાં લાવવાની છે અને બીજી પત્ની તરીકે નિર્મળાએ મારા છોકરાનો જન્મ આપેલ હોય અને તેને ઘરમાં લાવવા માટે આરોપી નિર્મળા ચઢામણી કરતી હોય અને તેની ચઢામણીથી શારીરીક માનસિક ત્રાસ આપી આરોપી લલિત ઠાકોર હરતા ફરતા ગડદાપાટુનો માર મારી જેમ ફાવે તેમ ગાળો બોલી ફરીયાદી વિલાસબેનને તેના પતિ તારે રહેવું હોય તો રહે, નહિ તો છૂડાછેડા આપી દે હવે મારે નિર્મળા તથા મારા દિકરાને આ ઘરમાં રાખવાના છે. તેમ કહી દિકરાને પણ સાથે લાવેલ હોય આ મારો દિકરો છે અને હવે આજ ઘરમાં નિર્મળા અને મારા દીકરા સાથે રહીશ અને તને અને તારા છોકરાઓને ઘરમાંથી કાઢી મુકીશ તેમ કહી જાનથી મારી નાંખવાની ધમકી આપી ગડદાપાટુનો માર મારી ઘરમાંથી કાઢી મુકતા લુણાવાડા મહિલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પીએસઆઇ એમ.કે.પટેલે પરણીતાની આપવીતી સાંભળી પતિ અને તેની પ્રેમિકા વિરુધ્ધ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.