રિપોર્ટર: દિવ્યાંગ પટેલ,મહીસાગર
લુણાવાડા આદર્શ વિદ્યાલય હૉલ ખાતે જીવનમાંથી જડેલું સાહિત્યના સથવારે વિષય પર આયોજિત કાર્યક્રમ સાહિત્યપ્રેમીઓએ માણ્યો : નવોદિત સર્જકોએ સંવાદ સાધ્યો
મહીસાગર સાહિત્ય સભા ઉપક્રમે લુણાવાડા આદર્શ વિદ્યાલય હૉલ ખાતે જીવનમાંથી જડેલું સાહિત્યના સથવારે વિષય પર પ્રસિધ્ધ સાહિત્ય સર્જક નવલકથાકાર અને વાર્તાકાર રજનીકુમાર પંડ્યાનું મનનીય વક્તવ્ય યોજાયું. આ કાર્યક્રમમાં જેમના સતત પ્રયાસોથી જીલ્લામાં સાહિત્યિક પ્રવુત્તિઓને વેગ મળ્યો છે તેવા સાહિત્યકાર અને અધિક નિવાસી કલેકટર આર.આર.ઠક્કર, નિવૃત્ત લેબર કમિશ્નર મોહન મંદાની, આદર્શ સંકુલના સંચાલક કિરીટભાઇ પંડ્યા, સહિત મોટી સંખ્યામાં સાહિત્યપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા.
દૂરદર્શન ગુજરાત ફીચર ફિલ્મ સીલેકશન ગ્રેડેશન બોર્ડ, ગુજરાત રાજ્ય કલ્ચરલ બોર્ડ અને સાહિત્ય પરિષદના સભ્ય તેમજ વિશ્વ ગુજરાતી સમાજના એકઝ્યુકેટીવ કમિટી વિદ્વાન સાહિત્યસર્જક રજનીકુમાર પંડ્યાએ રસપ્રદ અને મનભાવન શૈલીમાં પાવલીનો પ્રથમ પુરસ્કાર તેમજ હું તને ભણાવતો હતો અને હું તને ભણાવું છું ના શ્લેષથી શરૂ થયેલ વક્તવ્યમાં “ હૈયે ડામ” જેવી પોતાના બાળકને ઉછેરવા બીજાના બાળકને ડામ આપવાની અંધશ્રધ્ધાની જીવતી વાર્તાથી શરૂ થયેલ વાર્તાસર્જન, ચંદ્રદાહની લાગણી સભર વાર્તા, અનંત પ્રતિક્ષા અને કુંતી જેવી નવલકથાના સર્જન મળેલ પ્રસિધ્ધિ અને પીડા બંનેને સરળતાથી સાહિત્ય પ્રેમીઓ સાથે જીવનમાંથી જડેલું સાહિત્ય છુટ્ટા હાથે વહેંચ્યું હતું. તેમના વાર્તા, નવલકથા અને અનેક અખબારોના કટાર લેખન તેમજ પત્રકારત્વક્ષેત્રના દીર્ઘ લેખનકાળના અનુભવો નવોદિતો સર્જકો માટે સાહિત્યસર્જન ટાણે ઝબકાર સમા નીવડશે તેવા આશાવાદ સાથે તેમની સાથે સંવાદ સાધ્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સંયોજન નરેન્દ્ર જોશીએ અને સંચાલન હિતેશ પંચાલે કર્યું હતું.
અત્રે નોંધનીય છે કે મહીસાગર સાહિત્યસભા દ્વારા દર મહિનાના પહેલા અને ત્રીજા શનિવારે જિલ્લાના તેમજ અન્ય જિલ્લામાંથી આમંત્રિત નીવડેલાં અને નવોદિત સાહિત્યકારોનું સાહિત્ય સર્જન અને કૃતિઓ રજુ થાય છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી કોરોનાના કારણે મંદ થયેલ પ્રવુત્તિ ફરીથી મ્હોરી ઉઠી છે.