રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ
કેશોદ હિતરક્ષક સમિતિ દ્વારા ખંડેરો દુર કરવા જવાબદાર તંત્ર ને લેખિત રજૂઆત કરી
કેશોદ નગરપાલિકા વિસ્તારમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા જાહેર માં સ્વચ્છતા જાળવવા અને જાહેરમાં શૌચક્રિયા ન કરે એવાં હેતુથી વિવિધ યોજનાઓ અમલમાં લાવી નગરપાલિકા વિસ્તારમાં શુલભ શૌચાલય બનાવવા માટે આર્થિક સહાય આપવામાં આવી હતી. કેશોદ નગરપાલિકા દ્વારા પણ જુદા-જુદા વિસ્તારોમાં શુલભ શૌચાલય બનાવ્યાં હતાં. જેમાંથી અમુક વિસ્તારોમાં આશીર્વાદરૂપ સાબિત થયાં હતાં ત્યારે અમુક વિસ્તારોમાં વપરાશમાં ન આવતાં સમયાંતરે બારી દરવાજા અને સેનેટરી નો માલસામાન ચોરાઈ જતાં ખંડેરો બની ગયાં છે. આવાં શુલભ શૌચાલય ખંડેરો બની જતાં લુખ્ખાઓ દ્વારા ગેરકાનૂની પ્રવૃતિઓ કરવા ઉપયોગમાં લેતાં ગુનાખોરીનાં અડ્ડા બની ગયાં છે. કેશોદ હિતરક્ષક સમિતિ ના કન્વીનર રાજુભાઈ પંડ્યા દ્વારા લેખિતમાં રજૂઆત કરી કેશોદ નગરપાલિકા વિસ્તારમાં આવેલા જર્જરીત શુલભ શૌચાલય દુર કરવા જરૂરી હુકમ કરવા માંગ કરી છે. કેશોદ શહેરમાં પસાર થતાં ઉતાવળીયો નદી અને ટીલોળી નદી નાં કાંઠે બાંધવામાં આવેલાં શુલભ શૌચાલય ખંડેરો બની ગયાં છે અને ચોમાસામાં પુર આવતાં માટી નું પુરાણ ધોવાઈ જતાં બાંધકામ નાં પાયાને પણ નુકસાન થયું છે. કેશોદ શહેરમાં નદી કિનારે જાહેર માર્ગો પર બાંધવામાં આવેલાં શુલભ શૌચાલય ખંડેરો અને જર્જરીત હાલતમાં હોય ગમે ત્યારે પડવાથી અકસ્માત થવાની સંભાવનાઓ રહેલી હોય નિર્દોષ રાહદારીઓ અકસ્માત નો ભોગ બને એ પહેલાં હકારાત્મક અભિગમ અપનાવીને દુર કરવા માંગ કરી છે. સરકાર દ્વારા ઘરે ઘરે શૌચાલય બનાવવા માટે આપેલી સહાય થી લગભગ દરેક ઘરે શૌચાલય બની ગયેલાં છે ત્યારે જાહેર સ્થળો સીવાયના અન્ય સ્થળોએ આવેલા શુલભ શૌચાલય ખંડેરો બની ગેરકાયદેસર પ્રવૃતિઓ માટે લુખ્ખાઓ નાં અડ્ડા બની ગયાં છે અને આસપાસના રહેણાંક વિસ્તારનાં રહીશો અને રાહદારીઓ માટે લુખ્ખાઓ નો ત્રાસ અસહ્ય બની ગયો છે. કેશોદ નાયબ કલેકટર, મામલતદાર અને ચીફ ઓફિસર દ્વારા કેશોદ હિતરક્ષક સમિતિ ના કન્વીનર રાજુભાઈ પંડ્યાની રજુઆત ધ્યાને લઈને સત્વરે કાર્યવાહી કરવામાં આવશે કે લુખ્ખાઓ ને પ્રોત્સાહન આપવામાં આવશે એ તો આવનારાં દિવસોમાં ખબર પડશે.