રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા
રાજપીપળા પાલિકા ફાયર ફાઈટરની ટીમના યુવાનોએ કિશોરોની શોધખોળ હાથ ધરી હતી, બુધવારે એન.ડી.આર.એફ ની ટીમે ૨ કિશોરોના મૃતદેહ શોધી કાઢ્યા..
નર્મદા જિલ્લામાં પ્રિ-મોન્સૂન કામગીરીને પગલે નાંદોદ તાલુકાના ભદામ ગામમાં સોમવારે સવારે ૯ વાગ્યાથી સાંજે ૬ વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ હતો, ગામના બાળકો ગામના પાદરે રમતા હતા. દરમિયાન ગામના શુભમ પટેલ, અમર ગોહિલ, પવન પટેલ, ભગો પ્રજાપતિ અને રાજ ગોહિલ નજીકની કરજણ નદીમાં ન્હાવા ગયા હતા. હવે પાણીનો પ્રવાહ વધતા એ પાંચેય કિશોરો નદીના વહેણમાં તણાવા લાગ્યા હતા. પવન પટેલ, ભગો પ્રજાપતિ અને રાજ ગોહિલે પોતાની સુજબુજ વાપરી એક બીજનો હાથ પકડી ધીમે ધીમે નદીમાંથી બહાર નીકળી જવામાં સફળ થયા હતા. જ્યારે શુભમ પટેલ, અમર ગોહિલ લાપતા થયા હતા. અચાનક બનેલી આ ઘટનાથી ત્રણેય યુવાનો બીકના માર્યા ત્યાં સંતાઈ ગયા હતા.
રાજપીપળા પોલિસ મથકની ટીમ અને રાજપીપળા પાલિકાની ફાયર ફાઈટરની ટીમ તુરંત ત્યાં આવી પહોંચી હતી. મોડી સાંજ સુધી શોધખોળ દરમિયાન લાપતા કોઈ પણ કિશોરોનો પત્તો લાગ્યો ન હતો હવે શુભમ પટેલ, અમર ગોહિલ લાપતા છે એમની કોઈ પત્તો લાગ્યો નથી હવે તેઓ ડૂબી ગયા હશે કે બહાર હશે એ દ્વિધા હાલ લોકોને સતાવી રહી હતી.
સતત ૨ દિવસ સુધી રાજપીપળા પાલિકા ફાયર ફાઈટરની ટીમ અને અન્ય સ્થાનિક તરવૈયાઓએ ૨ કિશોરોને શોધવા માટે જહેમત ઉઠાવી નદી ખૂંદી કાઢી હતી. દરમિયાન બુધવારે સવારે વડોદરાની એન.ડી.આર.એફ ટીમની એક ટુકડી ત્યાં આવી પહોંચી હતી. એન.ડી.આર.એફની સાથે રાજપીપળા નગર પાલિકા ફાયર ફાઈટરની ટીમોએ કરજણ નદીમાં ધનિષ્ઠ શોધખોળ હાથ ધરી હતી. ૧૨ કલાકની મહેનત બાદ નારેશ્વર પાસેથી ૧૦૦ મીટરના અંતરમાં બન્નેવ કિશોરોના મૃતદેહ શોધી કાઢ્યા હતા. આ બાબતની જાણ થતાં જ કિશોરોના પરિવારજનોએ આક્રંદ મચાવ્યો હતો. બન્નેવ કિશોરોના મૃતદેહના કરજણ પોલીસ મથકની હદમાં પોસ્ટમોર્ટમ કર્યા બાદ પરિવારજનો સોંપણી થશે.