બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડીયા કોલોની
નર્મદા, ભરૂચ, વડોદરા, છોટા ઉદેપુરના ગામો એલર્ટ કરી દેવાયા ભરૂચ ગોલ્ડન બ્રિજ ખાતે નર્મદાની સપાટી 17.05 ફૂટ વિશાલ મિસ્ત્રી રાજપીપળા: સરદાર સરોવર નર્મદા ડેમ ના ઉપરવાસ મધ્યપ્રદેશમાં ભારે વરસાદને પગલે ઓમકારેશ્વર ડેમમાંથી વધુ પાણી છોડાતા ડેમની સપાટી 137.41 મીટરે પહોચી છે. સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી જાળવી રાખવા માટે ડેમના 10 ગેટ 2.33 મીટર ખોલી 1.76 લાખ ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડાઈ રહ્યું છે. જ્યારે મુખ્ય કેનાલમાં 20 હજાર ક્યુસેક પાણી છોડાઇ રહ્યું છે.
ઉપરવાસમાંથી વધુ પાણીની આવકને પગલે સરદાર સરોવર નર્મદા ડેમ માંથી 2 લાખથી વધુ ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડાતા સરદાર સરોવર નર્મદા ડેમના કાંઠા વિસ્તારના નર્મદા, ભરૂચ, વડોદરા, છોટા ઉદેપુરના ગામો એલર્ટ કરી દેવામાં આવ્યાં છે.
એ વિસ્તારના લોકોને નદી કિનારે ન જવાની કડક સૂચના અપાઈ છે. આવનારા સમયમાં નર્મદા ડેમમાં જો વધુ પાણીની આવક થાય તો હજી વધારે માત્રામાં પાણી નર્મદા નદીમાં છોડાઈ શકે એવી સંભાવનાઓ પણ વ્યક્ત કરાઈ રહી છે.
એવાં સમયે સંભવિત પૂરની સ્થિતિને પહોંચી વળવા નર્મદા, ભરૂચ, વડોદરા, છોટા ઉદેપુર જિલ્લા કલેકટર દ્વારા જે-તે વિસ્તારના પ્રાંત અધિકારીઓ, TDO, મામલતદાર, તલાટી સહિત અન્ય અધિકારીઓને પૂરતી તૈયારીઓ કરવાની તથા સ્થિતિ પર સતત વોચ રાખવા સૂચનાઓ આપી દેવાઈ છે.
હાલ સરદાર સરોવર નર્મદા ડેમ ના CHPHના 5 અને RBPHના 6 ટર્બાઈન ચાલુ કરી રોજનું કરોડો રૂપિયાનું વીજ ઉત્પાદન થઈ રહ્યું છે. હાલની સ્થિતિએ નર્મદા ડેમમાં 5358.80 MCM લાઈવ સ્ટોરેજ પાણીનો જથ્થો છે. ભરૂચ ગોલ્ડન બ્રિજ ખાતે નર્મદાની સપાટી 17.05 ફૂટ છે. તો આગામી સમયમાં સપાટી વધી વૉર્નિંગ લેવલ 22 ફૂટ સુધી જાય એવી સંભાવનાઓ પણ વ્યક્ત કરાઈ રહી છે.
સરદાર સરોવર જળાશયમાંથી ક્રમશ: 4 લાખ ક્યુસેક પાણી છોડવાની જાણકારી નર્મદા નિગમ દ્વારા વડોદરા જિલ્લા વહીવટી તંત્રને આપવામાં આવી છે. જેથી નર્મદા કાંઠાના શિનોર ડભોઇ અને કરજણ તાલુકાઓના 13 ગામોના લોકોને સાવધાની રાખવા અને નદી કિનારાથી દૂર રહેવા જિલ્લા કલેકટરે અનુરોધ કર્યો છે. વડોદરા જિલ્લામાં નર્મદા નદી શિનોર, ડભોઇ અને કરજણ તાલુકાઓમાંથી પસાર થાય છે. આ પૈકી કરજણ તાલુકાના પૂરા, આલમપુરા, લીલાઇપુરા, નાની અને મોટી કોરલ તેમજ જૂના શાયર ગામો, ડભોઇ તાલુકાના ચાંદોદ, કરનાળી અને નંદેરિયા અને શિનોર તાલુકાના મઢી દેવસ્થાન,અનસૂયા મંદિર, માલસર અને બરકાલ નર્મદા કાંઠે આવેલા છે. સંબંધિત ગામોના સરપંચો અને તલાટીઓને પણ તમામ પ્રકારની તકેદારી રાખવા જણાવવામાં આવ્યું છે.