રિપોર્ટર: જીતેન્દ્ર દવે,ભાવનગર
રસ્તે જતા કોઈ રાહદારીએ માસ્ક ન પહેર્યું હોય કે કોઈનું માસ્ક જુનું થઈ ગયું હોય ત્યારે ભાવનગરના ભુપતભાઇ સાટીયા નામના એક યુવાન તેમને અટકાવે અને પહેલાં માસ્ક પહેરવાના ફાયદા સમજાવે અને પછી પોતાના થેલામાંથી એને વિનામૂલ્યે માસ્ક અર્પણ કરે.આ ઘટના મારી નજર સમક્ષ જોઈ ત્યારે ખુબ આશ્ચર્ય થયું. ભુપતભાઇ સાથે રૂબરૂ વાતચીત કરતા તેમણે જણાવ્યુ કે જે લોકો માસ્ક નથી પહેરતા તેમને કોરોના સંક્રમણ થવાની અથવા તો તેમના દ્વારા અન્યને સંક્રમણ થવાની શક્યતા ખૂબ વધી જાય છે. વ્યવસાયે હું મ્યુઝીકલ શો, ડ્રામા તેમજ નવરાત્રીનું આયોજન કરૂં છું. કોરોના મહામારીમાં હાલ આ પ્રવૃત્તિઓ બંધ હોય મારી પાસે બચેલા સમયને મેં કોરોના સામેની લડતમાં ખર્ચવાનો વિચાર કર્યો અને ધોઈને ફરીથી ઉપયોગમાં લઇ શકાય તેવા કોટનના ૮૦૦ જેટલા માસ્ક બનાવી રસ્તે જતા માસ્ક વગરના રાહદારીઓને વિતરણ કરવાનું નક્કી કર્યું. સવારથી જ ભાવનગરના જુદા જુદા રોડ પર નીકળી જેમણે માસ્ક નથી પહેર્યું તેવા લોકોને માસ્ક આપી કોરોના સામે મારાથી શક્ય તેટલો યોગદાન આપવાનો પ્રયાસ કરૂ છુ.
અત્રે ઉલ્લેખનીય છે કે ઘરની બહાર નીકળતી વખતે કોરોના સંક્રમણથી બચવા માસ્ક ખૂબ જ જરૂરી છે. ગરીબ તેમજ જરૂરિયાતમંદ લોકો માટે તો ભુપતભાઇની આ સેવા આશીર્વાદરૂપ છે ત્યારે ભુપતભાઇ જેવા અનેક સેવાભાવી લોકોનો કોરોના સામેની લડતમાં સહકાર ખરેખર વંદનીય છે.