રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા
એકલી મહિલાને લૂંટી લીધી હોય કે એની સાથે અડપલાં કર્યા હોવાના ઘણાં કિસ્સાઓ સામે આવ્યાં છે. અમુક કિસ્સામાં તો મહિલા જ રણચંડી બની એવા યુવાનોને મેથીપાક ચખાડતી હોય છે તો અમુક મહિલાઓ આ બધું ચૂપચાપ સહન કરી લેતી હોય છે. નર્મદા જિલ્લાના રાજપીપળામાં એક એવો જ કિસ્સો સામે આવ્યો છે કે જેમાં બસમાં મુસાફરી કરતી એક મહિલા સાથે અજાણ્યા યુવાને અડપલાં કર્યાં હતાં. પરિણામ સ્વરૂપે યુવાનને જાહેરમાં મેથીપાક ખાવાનો વારો આવ્યો હતો.
આ કિસ્સો એવો છે કે વડોદરાથી રાજપીપળા વચ્ચે એસ.ટી બસમાં સફર દરમ્યાન શુક્રવારે સાંજે એક મહિલા રાજપીપળા આવવા વડોદરાથી એસ.ટી બસમાં બેઠી. એની બિલકુલ બાજુમાં એક અજાણ્યો યુવાન આવીને બેસી ગયો. બસ જેમ-જેમ આગળ ગઈ તેમ તેમ એ યુવાને મહિલા સાથે અડપલાં કરવાના શરૂ કર્યાં. એક સમયે તો મહિલા પણ ગભરાઈ ગઈ હતી પરંતુ રાજપીપળા નજીક આવવાનો સમય થયો ત્યારે મહિલાએ અડપલાં કરનાર યુવાનને ખબર ન પડે એવી રીતે પોતાના સબંધીને ફોન દ્વારા આ બાબતની જાણ કરી.
મોડી સાંજે બસ રાજપીપળા ડેપોમાં પહોંચી. અડપલાં કરનાર યુવાન બસમાંથી જેવો નીચે ઉતર્યો કે મહિલાએ ઈશારો કરી યુવાનની ઓળખ કરાવી. બાદમાં ત્યાં મહિલાના સબંધીએ અડપલાં કરનાર યુવાનની જાહેરમાં ધોલાઈ કરવાની ચાલુ કરી દીધી અને બસ ડેપો પર જ મારામારીના દ્રશ્યો સર્જાઇ ગયા. મારામારીના આ દ્રશ્યો જોવા ત્યાં લોકોના ટોળેટોળાં એકઠા થઇ ગયા.જો કે માર ખાવાથી ગભરાયેલો યુવાન મહિલાના પગ પકડી પોતાને બચાવી લેવા માટે રીતસરની આજીજી કરવા લાગ્યો હતો. પરંતુ ગુસ્સે ભરાયેલા વ્યક્તિએ ઉપરા છાપરી લપડાકો મારતા લોકોના ટોળાં એકઠાં થયા બાદ આખરે આ યુવાનને જતો કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે મહિલા સાથે અડપલાં કર્યા એ બદલ યુવાનને જે સજા મળી એને શહેરના લોકો યોગ્ય જ ગણી રહ્યાં છે પણ સાથે સાથે રાજપીપળા એસ.ટી ડેપો પર કાયમ માટે એક પોલીસ પોઇન્ટની પણ લોકો માંગ કરી રહ્યાં છે.
ઉલ્લેખનીય છે કે સામાન્ય રીતે ઘણી વાર બસ સ્ટોપ પર કે પછી રિક્ષામાં કે પછી રાત્રીના એકાંત સમયે મહિલાની છેડતી થયાની ઘટનાઓ અવારનવાર બનતી રહેતી હોય છે. ત્યારે સામાન્ય રીતે ભોગ બનેલી મહિલા કે યુવતી પોતે જ છેડતી કરનાર યુવકને મેથીપાક ચખાડે છે. અથવા તો તેના કોઇ સંબંધી તેને મેથીપાક ચખાડે છે. ત્યારે રાજપીપળા એસ.ટી બસ ડેપો ખાતે પણ જે ઘટના બની તે આવાં લોકો માટે યોગ્ય છે.