અમદાવાદ. રાજ્ય પર એન્ટી સાયક્લોનિક સરક્યુલેશન સક્રિય થયું છે, જેને કારણે ગરમ પવનો સીધા જમીન તરફ આવતાં અમદાવાદ 43.8 ડિગ્રી સાથે દેશનું પ્રથમ અને એશિયામાં ત્રીજા ક્રમનું તેમજ આ સિઝનનું સૌથી ગરમ શહેર બન્યું છે. અમદાવાદમાં આગામી બે દિવસ ગરમીનો પારો 45 ડિગ્રીએ પહોંચી શકે છે. હવમાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ શહેરમાં ગરમીનું તાપમાન કેવું રહેશે એ અંગે આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા જણાવ્યા પ્રમાણે 1લી મે અને 2જી મેના રોજ શહેરમાં તાપમાનનો પારો 45 ડિગ્રી રહેશે. આ બન્ને દિવસને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે. આ બે દિવસ બાદ શહેરમાં ગરમીમાં આંશિક ઘટાડો થઇ શકે છે. ત્રીજીના રોજ 43, ચોથીના રોજ 42 અને પાંચમી મેના રોજ તાપમાન 41 ડિગ્રીની આસપાસ રહી શકે છે.