બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડીયા કોલોની
“સાત પગલા ખેડૂત કલ્યાણના” અંતર્ગત પ્રાકૃતિક કૃષિ યોજનાઓના આજે યોજાયેલ રાજ્યવ્યાપી ઇ-લોકાર્પણના કાર્યક્રમ સંદર્ભે નર્મદા જિલ્લામાં રાજપીપલા મુખ્યમથકે ડૉ. બાબાસાહેબ આંબેડકર ભવન ખાતે જિલ્લા કલેક્ટરશ્રી મનોજ કોઠારી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડૅા. જીન્સી વિલીયમ, જિલ્લાના અગ્રણીશ્રી ગજેન્દ્રસિંહ જાડેજા, આત્માના પ્રોજેક્ટ ડાયરેક્ટરશ્રી એસ.કે. ઢીમર, જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી ડૉ. એન.જે. ભટ્ટ સહિત જિલ્લાના લાભાર્થી ખેડૂતોની ઉપસ્થિતિમાં યોજાયેલા સમારંભને દિપ પ્રાગટ્ય દ્વારા ખૂલ્લો મૂકાયો હતો.આજે ગાંધીનગર ખાતેથી યોજાયેલા પ્રાકૃતિક કૃષિ યોજનાઓના રાજયવ્યાપી યોજાયેલા ઇ-લોકાર્પણ કાર્યક્રમ અંતર્ગત ગુજરાતના રાજયપાલશ્રી આચાર્ય દેવવ્રતજી તથા ગુજરાત રાજયના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી દ્રારા વિડીયો ક્રોન્ફરન્સના માધ્યમથી કરાયેલા સંબોધનના જીવંત પ્રસારણને જિલ્લાના ખેડૂતોએ નિહાળી માર્ગદર્શન મેળવ્યુ હતું. જિલ્લા કલેક્ટર મનોજ કોઠારીએ તેમના ઉદબોધનમાં જણાવ્યું હતું કે, સરકાર દ્રારા અમલી કૃષિ કલ્યાણની યોજનાઓનો નર્મદા જિલ્લાના ખેડૂતોને પણ વ્યાપક લાભ મળી રહ્યો છે. તેમણે કમોસમી વરસાદના નુકશાનીના વળતર પેટે જિલ્લાના ખેડૂતોને ચૂકવાયેલી માતબર રકમનો ઉલ્લેખ કરી વિવિધ યોજનાકીય લાભાર્થીઓને ચૂકવાયેલી કૃષિલક્ષી સહાયની પણ વિસ્તૃત જાણકારી આપી હતી. અગ્રણી ગજેન્દ્રસિંહ જાડેજાએ તેમના પ્રસંગોચિત ઉદબોધનમાં જિલ્લાના ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની દિશામાં આગળ વધવાની સાથે આર્થિક સમૃધ્ધિની સાથોસાથ આત્મનિર્ભર બનવાનુ આહવાન કર્યુ હતું.
આ પ્રસંગે જિલ્લા કલેકટરશ્રી મનોજ કોઠારી સહિત ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે “સાત પગલા ખેડૂત કલ્યાણના” અંતર્ગત પ્રાકૃતિક ખેતી માટે દેશી ગાય નિભાવ ખર્ચ સહાય યોજના પેટે જિલ્લાનાં ૬૭ ખેડૂતોને સહાય હુકમ વિતરણ કરાયા હતા. જે અંતર્ગત આજેજ ડી.ટી.પી થી ત્રણ માસની સહાયના રૂા. ૨૭૦૦ લેખે કુલ રૂા. ૧,૮૦,૯૦૦ ની સહાયની રકમ લાભાર્થીઓના બેંક ખાતામાં સીધી જ જમા કરી દેવામાં આવી છે. તદઉપરાંત પ્રાકૃતિક કૃષિ પધ્ધતિ દ્રારા જીવામૃત બનાવવા સારૂ લાભાર્થીઓને કૃષિ કીટમાં સહાય પેટે જિલ્લાના ૨૨ લાભાર્થીઓને પૂર્વ મંજૂરી હુકમો પણ મહાનુભાવોના હસ્તે એનાયત કરાયાં હતાં. આ પ્રસંગે ૨૦૧૮-૧૯ ના વર્ષના જિલ્લા કક્ષાના ૨ અને તાલુકા કક્ષાના ૨૩ સહિત ૨૫ ખેડૂતો કુલ રૂા. ૨.૮૦ લાખના ચેક પ્રશસ્તિપત્ર મોમેન્ટો ટ્રોફી એનાયત કરી બેસ્ટ આત્મા ફામર્સ એવોર્ડ વિજેતા ખેડૂતોનુ બહુમાન કરાયું હતું. પ્રારંભમાં ખેડૂત તાલીમ કેન્દ્રના મદદનીશ ખેતી નિયામકશ્રી પી.એસ.ઠકકરે તેમના સ્વાગત પ્રવચનમાં સૌને આવકારી કાર્યક્રમની રૂપરેખા આપી હતી. અંતમાં આત્માના ડેપ્યુટી પ્રોજેકટ ડાયરેકટરશ્રી ધર્મેન્દ્રસિંહ ગોહિલે આભારદર્શન કર્યુ હતુ.