રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા
ગુજરાતના મુખ્યમંત્રી વિજ્યભાઇ રૂપાણી ના હસ્તે આજે ગાંધીનગર ખાતેથી મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનાના રાજ્યવ્યાપી યોજાયેલા ઇ-લોન્ચીંગ કાર્યક્રમના ભાગરૂપે નર્મદા જિલ્લામાં રાજપીપલા મુખ્યમથકે સરદાર ટાઉન હોલ ખાતે સુરતના કતારગામના ધારાસભ્ય વિનુભાઇ મોરડીયા,રાજપીપલા નગરપાલિકાના પ્રમુખ જીગીશાબેન ભટ્ટ, મહિલા અગ્રણી દર્શીનીબેન કોઠીયા, જિલ્લા કલેક્ટર મનોજ કોઠારી,જિલ્લા વિકાસ અધિકારી ડૉ.જીન્સી વિલીયમ, જિલ્લાના અગ્રણી ઘનશ્યામભાઇ દેસાઇ અને ગજેન્દ્રસિંહ જાડેજા, ચીફ ઓફીસર જયેશભાઇ પટેલ સહિત મહિલા જૂથ સખી મંડળની બહેનો ઉપરાંત સહકારી મંડળીઓ, ખાનગી બેંન્કો, નાગરિક અને સહકારી બેંન્કોના પ્રતિનિધિઓની ઉપસ્થિતીમાં યોજાયેલા સ્થાનિક કાર્યક્રમને દિપ પ્રાગટ્ય દ્વારા ખૂલ્લો મૂકાયો હતો.
કતારગામના ધારાસભ્ય વિનુભાઇ મોરડીયાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ છેવાડાના માનવીની સાથો સાથ સૌથી વધુ મહિલાઓ અને બાળકોની ચિંતા કરી છે. મહિલાઓના ઉત્કર્ષ માટે ૦ ટકા વ્યાજ ધિરાણ સહાય લોનની સુવિધા ઉપલબ્ધ કરાઇ છે. રાજપીપલા નગરપાલિકાના પ્રમુખ જીગીશાબેન ભટ્ટ તેમના પ્રસંગોચિત્ત ઉદબોધનમાં સરકારની જીરો ટકા વ્યાજની ધિરાણ સહાયનો લાભ લઇ મહામારીના કપરા કાળમાં બહેનોને પગભર થવાની સાથે આત્મનિર્ભર બનવાની પણ હિમાયત કરી હતી.