રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા
રાજપીપળા પાલિકા ચૂંટણી માટેનું સીમાંકન અને રોસ્ટર જાહેર થતાની સાથે જ શહેરમાં ચૂંટણીને લઈને વાતાવરણ ગરમાયુ છે.રાજપીપળા શહેરના તમામે તમામ ૭ વોર્ડમાં રાજકીય પક્ષના લોકોએ મતદારોને રીઝવવાનું શરૂ કર્યું છે.તો બીજી બાજુ આ વખતની ચૂંટણીમાં અપક્ષોની અલગ પેનલ પણ ઉતરવાની હોવાથી ભાજપ-કોંગ્રેસ પક્ષ જે તે વિસ્તારમાં જાતિગત સમીકરણને આધારે જ પોતાના ઉમેદવારો ઉતારશે એવું જાણવા મળ્યું છે.
રાજપીપળા પાલિકાની આ વખતની ચૂંટણીમાં દૂધના દાઝેલા મતદારો છાસ પણ ફૂંકી ફૂંકીને પીશે, આ વખતે પક્ષ નહિ પણ વ્યક્તિને જોઈને મત આપવાનું મક્કમ મન મતદારોએ બનાવી લીધું છે.જો ભૂતકાળની વાત કરીએ તો ભાજપ લહેરને પગલે રાજપીપળા પાલિકા ચૂંટણીમાં ભાજપ દ્વારા પોતાના માનીતા “આયાતી” ઉમેદવારોને ઉતારવામાં આવતા હતા.પણ આ વખતની ચૂંટણીમાં “આયાતી” ઉમેદવારની જગ્યાએ જે તે વોર્ડમાં સ્થાનિક ઉમેદવારને જ પ્રાધાન્ય આપવાનું મનોમન મતદારોએ નક્કી કરી લીધું છે.રાજપીપળા પાલિકા ચૂંટણીમાં જે પણ પક્ષે જીતવું હશે એ પક્ષે સ્થાનિક ઉમેદવારને જ ચૂંટણી મેદાનમાં ઉતારવો પડશે એ વાત ચોક્કસ થઈ પડી છે.
રાજપીપળા પાલિકા ચૂંટણી પેહલા સોશિયલ મીડિયામાં વોર
રાજપીપળા પાલિકા ચૂંટણીનું હજુ તો જાહેરનામુ નથી પડ્યું ત્યાં તો સોશિયલ મીડિયામાં રીતસરની વોર ચાલુ થઈ ગઈ છે.હાલ એક વિવાદિત પોસ્ટ પણ વાયરલ થઈ છે.વિવાદિત પોસ્ટમાં એમ જણાવાયું છે કે “ભ્રષ્ટાચારમાં સાથ આપે એવા, બોર્ડ મિટિંગમાં ફક્ત આંગળી ઊંચી કરે એવા, જેમને વોર્ડના લોકોના કામમાં નહિ પણ દર મહિને બંધ કવરમાં રૂપિયાની જરૂર હોય એવા, જેમને પોતાનું આત્મ સન્માન ન હોય એવા વ્યક્તિની રાજપીપળા પાલિકા ચૂંટણીમાં ઉમેદવાર તરીકે જરૂર છે.બસ ટૂંક જ સમયમાં એક પાર્ટી દ્વારા જાહેરાત કરવામાં આવશે તો એ પાર્ટીનો સંપર્ક સાધવો”
આ વિવાદિત પોસ્ટ ઘણું બધું કહી જાય છે
રાજપીપળા પાલિકાના છેલ્લા 5 વર્ષના શાસન દરમિયાન ભાજપના જ ૪ પાલિકા સભ્યોએ ભ્રષ્ટાચારના આક્ષેપો લગાવ્યા હતા, બીજી બાજુ રાજપીપળા પાલિકા સભ્યોને જે તે વખતે “કવરો” મળતા હોવાની વાતોએ પણ વેગ પકડ્યો હતો.જો કે એ બાબત સાબિત થઈ ન હતી.પણ આ વાયરલ વિવાદિત પોસ્ટ ભૂતકાળના એ જ આક્ષેપોનું વર્ણન કરતી હોવાનું લોકોનું માનવું છે.હાલ તો આ વિવાદિત પોસ્ટને લીધે પાલિકા ચૂંટણી પેહલા જ રાજકારણ ગરમાયુ છે.